Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે યોજાયો કિસાન સન્માન દિવસ

  • August 05, 2021 

ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી સાથે જિલ્લાના ખેડૂતોને પશુપાલન ક્ષેત્રે પણ આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. નવી પેઢીના સંતાનોને શિક્ષણના સંસ્કાર આપવાની હિમાયત કરતા ધારાસભ્યશ્રીએ દેશના ખેડૂતોની હરહંમેશ ચિંતા સેવીને રાજ્ય અને કેન્દ્ર સરકાર રાતદિવસ કાર્ય કરી રહી છે, જે બદલ સંવેદનશીલ રાજ્ય સરકારની સમગ્ર ટીમનો પ્રજાજનોવતી આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તા.૫ મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમા 'કિસાન સૂર્યોદય યોજના' અને 'સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના' અંતર્ગત ડાંગ સહીત રાજ્યભરના ૧૨૫ જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવીને રાજ્યના ખેડૂતોને અદકેરુ સન્માન આપ્યુ છે, તેમ ધારાસભ્ય વિજયભાઈ પટેલ આહવા ખાતે જણાવ્યુ હતુ.

 

 

 

 

છેલ્લા અઢી દાયકાઓથી શરૂ થયેલી આ વણથંભી વિકાસયાત્રા થકી ગુજરાતમોટાભાગના ક્ષેત્રોમા દેશભરમા મોખરે છે. ત્યારે 'કિસાન સુખી તો, જ આપણે સૌ સુખી' ના દ્રઢ નિર્ધાર સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત દ્વારા અમલી 'કિસાન સૂર્યોદય યોજના' થકી ખેડૂતોના રાતના ઉજાગરા દૂર કરી દિવસે વીજળી આપી જંગલી જાનવરો સામે રક્ષણ આપ્યુ છે, તેમ જણાવી શ્રી પટેલે અત્યાર સુધી ૪૦૦૦ ગામડાઓના ૩,૩૮,૦૦૦ જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ આપી, આગામી દિવસોમા રાજ્યના તમામ ગામડાઓને આવરી લેવાનુ રાજ્ય સરકારે આયોજન કર્યું છે, તેમ પણ ઉમેર્યું હતુ.

 

 

 

 

'કિસાન સન્માન નીધિ યોજના' હેઠળ ગુજરાતના ૫૯ લાખ કિસાનોના ખાતામારૂ.૭૯૫૧ કરોડ જમા કરાવવા સાથે  છેલ્લા ૧૭ વર્ષ દરમિયાન એક લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામા સાથે, ખેડૂતોના વીજ બિલમા રાહત માટે ૧૮ લાખ ખેડૂતો વતી રાજય સરકાર દર વર્ષે અંદાજે રૂા.૭૩૮૫ કરોડ વીજ સબસીડીનો ખર્ચ ઉપાડે છે, તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

 

 

 

 

'સાત પગલા ખેડૂત ક્લ્યાણના'અંતર્ગત વાવણીથી વેચાણ સુધીની વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને વધુને વધુ 'આત્મનિર્ભર' બનાવવાનો રાજ્ય સરકારના મક્કમ નિર્ધારનો ખ્યાલ આપતા ધારાસભ્યશ્રીએ રાજ્યના ખેડૂતોને વિષમ કુદરતી આપદોમા પણ રાજ્ય સરકારે હિંમત હાર્યા વગર વર્ષ ૨૦૧૫-૧૬ થી આજ દિન સુધી રૂા. ૯૦૫૦ કરોડ થી વધુની સહાય ચુકવવામાઆવી છે તેમ જણાવ્યુ હતુ.

 

 

 

 

વિકાસ પુરુષ એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમા આ સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે, આ વર્ષો દરમિયાન રાજ્યના પ્રજાજનો માટેના કરેલા કાર્યોને વધુ લોકભોગ્ય બનાવવાનો સેવાયજ્ઞ તા.૧લી ઓગસ્ટથી રાજ્યભરમા આરંભાયો છે, તેમ જણાવતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે આહવા ખાતે કૃષિ પ્રધાન દેશમા ખેડૂતોની ચિંતા કરીને વડાપ્રધાનશ્રી દ્વારા અનેકવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે, તેમ જણાવ્યુ હતુ.

 

 

 

 

 

દેશના તમામ ખેડૂતોના ખાતામા સીધે સીધા રૂપિયા જમા કરાવવાની પહેલ કરનારા વડાપ્રધાનશ્રીના પ્રયાસોની સરાહના કરતા પ્રમુખશ્રીએ ખેડૂતોની પડખે હમેશા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર રહી છે, તેમ જણાવ્યુ હતુ. 'સાત પગલા ખેડૂત કલ્યાણના' યોજના અંતર્ગત ખેડૂતોને ચારેકોરથી મદદ કરવાની ભાવના રાજ્ય અને કેન્દ્ર સરકારે વ્યક્ત કરી છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

 

 

 

 

 

ઓર્ગેનિક જિલ્લા તરીકે ડાંગ જિલ્લાને પસંદ કરવા બદલ રાજ્ય સરકારના પ્રયાસોની જાણકારી આપતા પ્રમુખશ્રીએ જિલ્લાના વધુમા વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરી હતી. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા 'કિસાન સન્માન દિવસ' ઉજવણી દરમિયાન 'સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત (૧) 'દેશી ગાય નિભાવ ખર્ચ' પેટે ચાલુ વર્ષના નવા અંદાજીત એક હજાર લાભાર્થીઓને રૂ.૮૧ લાખની સહાય આપવાનુ આયોજન છે. જયારે જુના ૧૮૨૨ ગાય પાલકોને ૧૯૭ લાખની સહાય આપવામા આવી રહી છે. જે પૈકી ૯૮ લાખની સહાય લાભાર્થીઓને ચૂકવી દેવામા આવી છે.

 

 

 

 

ઉપરાંત (૨) 'કિસાન પરિવહન યોજના'ના કુલ ૧૮ લાભાર્થીઓને કુલ રૂ.૧૩.૫૦ લાખની સહાય, (૩) 'ટુલકીટ્સ' ના ૪૪ લાભાર્થીઓને રૂ.૪.૪૦ લાખની સહાય, (૪) 'કાંટાળી તારની વાડ' યોજનાના કુલ ૨૭ ખેડૂત સમુહોને રૂ.૫૯.૪૬ લાખની સહાય, અને (૫) 'છૂટક ફળ/શાકભાજી વિક્રેતાઓને વિનામૂલ્યે છત્રી યોજના'ના ૪૦૦ લાભાર્થીઓને રૂ.૫.૪૫ લાખના ખર્ચે છત્રી આપવામા આવનાર છે.

 

 

 

 

 

આ ઉપરાંત ડાંગ જિલ્લાને રાજ્ય સરકારે 'સંપૂર્ણ રસાયણ મુક્ત જિલ્લો' બનાવવાનુ અભિયાન આદર્યું છે. જે અંતર્ગત ડાંગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત થાય તે માટે ઓછામા ઓછા રૂ.૧ હજાર થી વધુમા વધુ રૂ.૨૦ હજાર સુધીની સહાય આપવાની યોજના અમલી બનાવી છે. જેના માટે આઈ.ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામા આવી હતી, જેમા ૨૦,૪૪૬ અરજીઓ વિભાગને પ્રાપ્ત થઇ છે.

 

 

 

 

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ચોમાસામા પ્રતિ હેક્ટર રૂ.૫ હજાર, અને જો તો જમીનમા શિયાળુ કે ઉનાળુ પાક લેતા હશે તો તેમને ફરીથી પ્રતિ હેક્ટર રૂ.૫ હજાર વધુમા વધુ બે હેક્ટર માટે, એટલે કે વાર્ષિક વધુમા વધુ રૂ.૨૦ હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે. ડાંગ જિલ્લાના ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા તમામ ખેડૂતોનુ સો ટકા સહાયથી સેન્દ્રીય પ્રમાણીકરણ કરવામા આવશે. આ માટે ખેડૂતોએ પોતાના ખેતરમા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવાનો નથી. આ બાબતનુ ઘનિષ્ઠ મોનીટરીંગ કરવા સાથે દરેક સિઝનમા ખેતરવાર રીપોર્ટીંગ પણ હાથ ધરવામા આવનાર છે.

 

 

 

 

 

સાથે સાથે એક માત્ર ડાંગ જિલ્લાના ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોની ખરીદી, અને વેચાણ અર્થે જ, કંપની એક્ટમા ખેડૂતોના સંઘોની નોધણી કરાવી, આ સંઘો ખેડૂતો માટે ડાંગ પ્રાકૃતિક ખેત પેદાશોનુ બ્રાન્ડીંગ અને ખરીદ વેચાણ કરે, તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામા આવી રહી છે.

 

 

 

 

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા 'કિસાન સન્માન દિવસ' કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાયો હતો. દરમિયાન મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત 'આત્મા' ના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પ્રવિણ માંડાણીએ કર્યું હતુ. અંતે આભારવિધિ મદદનીશ બાગાયત નિયામક શ્રી તુષાર ગામીતે આટોપી હતી. કાર્યક્રમના ભાગરૂપે મહાનુભાવોના હસ્તે 'સાત પગલા ખેડૂત કલ્યાણના' કાર્યક્રમના લાભાર્થીઓને કીટ્સ, તથા પ્રમાણપત્રોનુ પણ વિતરણ કરાયુ હતુ. સાથે 'કિસાન સાફલ્યગાથા' પુસ્તિકાનુ વિમોચન, અને 'કિસાન પરિવહન યોજના' હેઠળના લાભાર્થીના વાહનને મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application