પીએમઓ અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રુફ કારમાં ફરનારો કિરણ પટેલ અંતે મહાઠગ હોવાનો ભાંડો ફુટી ગયો છે. તેની ધરપકડ કરીને હાલમાં જ્યુડિશિય કસ્ટડીમાં મોકલ્યા બાદ જમ્મુ કાશ્મીરની પોલીસ શહેરના મણિનગરમાં આવીને તપાસ કરીને ગઇ છે. કિરણે પીએમઓ અધિકારીનું નકલી આઇકાર્ડ બતાવીને વિઝીંટીગ કાર્ડ છપાવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ઉપરાંત આ મહાઠગ સાથે કાશ્મીરમાં અન્ય ત્રણ લોકો પણ સરકારી અધિકારી બનીને આવ્યા હતા. જેમાં બે ગુજરાતના અને એક રાજસ્થાનના શખ્સની સંડોવણી હતી. એટલે કિરણની સાથે 'સ્પેશિયલ 26' જેવી ટીમ પણ હતી, આ ટીમને લઇને કિરણ કાશ્મીરમાં રૌફ મારતો હતો.
પીએમઓ અધિકારી હોવાનો ડોળ કરીને કાશ્મીરમાં વીવીઆઇપી સુરક્ષા મેળવનારા અને ફાઇવ સ્ટાર હોટલમાં રોકાણ કરનારા કિરણ પટેલની જમ્મુ કાશ્મીરની નિશાત પોલીસે પકડી લીધો છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે કાશ્મીરમાં અધિકારી બનીને કિરણ પટેલ એકલો ન નહીં પણ પોતાની નકલી અધિકારીઓની ટીમ લઇને ગયો હતો. તેની સાથે અન્ય ત્રણ લોકો પણ પીએમઓ અધિકારી બનીને ગયા હતા. જેમાં ગુજરાતના અમિત હિતેશ પંડયા, જય સિતાપરા તથા રાજસ્થાનના ત્રિલોક સિંઘ તેની સાથે હતા.
આ ત્રણેય લોકો કિરણ સાથે પીએમઓ અધિકારીની ટીમની ઓળખ આપીને શ્રીનગરની ફાઇવ સ્ટારમાં રોકાયા હતા. એટલે આ ઠગ એકલો નહીં પણ તેની નકલી અધિકારીઓની ટીમ લઇને ફરતો હતો. એટલે તેની સાથેના ગુજરાતના બે શખ્સો મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. મહાઠગ કિરણને પકડયા બાદ જમ્મુ-કાશ્મીરની પોલીસ તપાસ કરવા માટે અમદાવાદ આવી હતી. જેમાં કિરણ પટેલે પીએમઓ અધિકારી તરીકેનું વિઝીંટીગ કાર્ડ જ્યાં છપાવ્યુ હતું તે મણિનગરની આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં તપાસ કરતા પોલીસને માલુમ પડયું કે, કિરણે સરકારી અધિકારી તરીકે નકલી આઇ કાર્ડ બતાવીને વિઝીંટીગ કાર્ડ બનાવ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500