ભેજાબાજ અને મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મેટ્રો કોર્ટે માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચે માલિની પટેલના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ, કોર્ટે માલિનીને 3 એપ્રિલ સુધી રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે.
મીડિયા અહેવાલ મુજબ,ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં દલીલ કરી હતી કે,પતિ કિરણ પટેલ સાથે મળીને માલિની પટેલે છેતરપિંડી અને કૌભાંડો કર્યા હોવાનો ખુલાસો થયો છે. આથી માલિની પટેલ કોના સંપર્કમાં હતી તે જાણવું ખૂબ જ જરૂરી છે અને તેના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ કરવી જરૂરી છે. જોકે આ કેસમાં માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી.
જાણો શું છે કેસ?
કિરણ પટેલ અને માલિની પટેલ પર આરોપ છે કે દંપતીએ પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના અમદાવાદના સિંધુભવન રોડ ખાતે આવેલા બંગલાનું રિનોવેશન કરવાના નામે રૂ. 35 લાખ લીધા હતા. અને ત્યાર બાદ બંગલાના ગેટ પર પોતાની નેમપ્લેટ લગાવી ઘરમાં પૂજા કરાવી બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે જગદીશ ચાવડાએ ક્રાઇમ બ્રાંચમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કાર્યવાહી કરી ક્રાઇમ બ્રાંચે મંગળવારે નડિયાદથી માલિની પટેલની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500