દક્ષિણ પૂર્વ એશિયામાં વિયેતનામની દ.પશ્ચિમે રહેલાં નાનકડાં રાષ્ટ્ર કમ્બોડિયાનાં રાજા નોરોડોમ સિંહમોની ભારતની ૩ દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગઇ કાલે મળ્યા હતા. વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે તેમની સક્ષમતા વધારવા વિષે અને માનવ સંસાધન વિકાસ પ્રવાસન સાંસ્કૃતિક બાબતો તથા સંરક્ષણ સંબંધે પણ મંત્રણાઓ થઇ હતી. તેમ વડાપ્રધાને તેઓનાં ટ્વિટ ઉપર જણાવ્યું હતું. આ સાથે બંને દેશોએ પ્રાદેશિક અને બહુઆયામી મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે તેઓનાં ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે તેઓની મુલાકાત બંને દેશોના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે, એક સમયે ચીનના વફાદાર બની રહેલાં આ રાષ્ટ્રે ચીનને નૌકા મથક સ્થાપવાની પણ સુવિધા કરી આપી હતી. પરંતુ હવે તેમ લાગે છે કે વિયેતનામથી ફીલીપાઇન્સ સહિતનાં અને ઇન્ડોનેશિયા પણ જેમ જેમ ડ્રેગનના ફૂંફાડાથી દાઝ્યાં છે તેમ જ કમ્બોડીયા પણ દાઝ્યું છે. તેવે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લૂક-ઇસ્ટ નીતિ સફળ થઇ રહી છે.
ફ્રાંસે વર્તમાન વિયેતનામ કમ્બોડીયા અને લાઓસ ઉપર કબજો જમાવ્યો તે પૂર્વે વિયેતનામનો દક્ષિણનો વિસ્તાર ઇસુની ૯મી ૧૦મી સદીમાં કમ્બોડીયાના હાથમાં હતો. જો નકશો જોશો તો તે વિસ્તાર સાથેના તે પ્રદેશનો આકાર શંખ(કમ્બ) જેવો જ લાગે છે તેથી તેનું નામ ભારતમાંથી ત્યાં વસેલા ભારતીય સાગર ખેડૂતોએ કમ્બોજ તેવું આપ્યું હતું. ત્યાં પૌલ સામ્રાજ્યના સમયમાં ભારતીયો જઇ વસ્તા હતા. તે પછી વર્તમાન મલાએશિયા એ ઇન્ડોનેશિયા તથા કમ્બોજ એ દક્ષિણ ચંપા (વિયેતનામ)માં પ્રસરેલાં શ્રી વિજય સામ્રાજ્યના સમયમાં, વર્તમાન પાટનગર નોમ-નેહની નજીક વિશ્વનું સૌથી વિશાળ મંદિર આંગ કોસ્વાર રચવામાં આવ્યું હતું.
તે મૂળ તો વિષ્ણુ મંદિર હતું પરંતુ પછીય ત્યાં બૌદ્ધ ધર્મ પ્રસરતાં તે બૌદ્ધ મંદિર બની રહ્યું છે. સૌથી વધુ ઉલ્લેખનીય તે છે કે, ભારતના (દ.ભારતના) કોઈ પણ શાસકે ત્યાં આક્રમણ કર્યાં જ ન હતાં. ત્યાં પહેલાં વ્યાપારીઓ જઇ વસ્યા તેમના પ્રભાવથી તે પ્રદેશોની જનતા ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષાઈ, જેને ચૌલ અને પછીથી શ્રી વિજય સામ્રાજ્યે પીઠબળ આપ્યું. આમ ઇસુની ૯મી સદીથી ભારતીય સંસ્કૃતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રસરી રહી. એ ઐતિહાસિક સત્ય છે કે, નહેરૂથી શરૂ કરી દેશમાં રહેલાં કોંગ્રેસ શાસન સમયે દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રો પ્રત્યે બહુ ધ્યાન આપ્યું ન હતું.
આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લૂક ઇસ્ટ પોલિસીને લીધે જ હવે તે દેશો સાથે સંપર્ક વધ્યો છે. ચીનની વિસ્તારવાદી નીતિ જે તેણે આર્થિક સહાયનાં નામે આગળ ધપાવી છે. તેથી દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રો ચોરી ગયાં છે. વિયેતનામે તો સામાં શિંગડાં ભરાવવાં શરૂ કર્યા છે. તેવે સમયે કમ્બોડીયાના રાજાની ભારત મુલાકાત અતિ મહત્ત્વની બની રહેવાની છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની ભાષા પણ સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. નોરોડોમ સિંહામોની તે નરોત્તમ સિંહમણીનું જ અપભ્રંશ છે તે ભૂલવું ન જોઇએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500