મુંબઈના ડોંગરીમાં રહેતા બે યુવાનોને થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી તેમનું અપહરણ કરી મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમને બંધક બનાવી રાખ્યા બાદ તેમના પરિવારોએ પાંચ-પાંચ લાખ રૂપિયાની ખંડણી ચૂકાવ્યા બાદ 33 દિવસ પછી તાજેતરમાં બંને મુંબઈ પાછા આવ્યા હતા. જોકે બેંગકોક પોલીસે પણ યોગ્ય દસ્તાવેજ અને વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ રહેવાના આરોપસર બંને યુવાનો પાસેથી દંડ વસૂલ કર્યો હતો. જોકે ભારત પાછા ફર્યા બાદ આ યુવાનોએ પોલીસમાં ફરિયાદમાં નોંધાવતા ડોંગરી પોલીસે અમુક ટ્રાવેલ એજન્ટ અને યુવાનોના અપહરણકર્તાઓ સામે ગુનો નોંધ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, ડોંગરીમાં રહેતા શહેજાદ તાંબોલી (ઉ.વ.29) અને સૌદ નિયાજી (ઉ.વ.28) નામના બે યુવાનોનો ડોંગરીના એક રહેવાસી પઠાણે સંપર્ક કર્યો હતો. તેણે આ બંને યુવાનોને ડિજિટલ માર્કેટીંગ ક્ષેત્રમાં નોકરીની સારી તક ઉપલબ્ધ હોવાનું જણાવી સારા પગારની ઓફર કરી હતી. ત્યારબાદ પઠાણે આ બંનેની ઓળખાણ ડોંગરીમાં જ ઓફિસ ધરાવતા ઉંમર સાથે કરાવી હતી. અહીં ઈન્ટરવ્યૂ જેવી ઔપચારિકતા પતાવ્યા બાદ તેમને થાઈલેન્ડમાં નોકરી મળી ગઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ એક ચાઈનીઝ વ્યક્તિએ તેમને ફોન કરી એર ટિકિટ ઈ-મેલ કરતા બંને ગત તા.24 ઓગસ્ટનાં રોજ બેંગકોક જવા રવાના થયા હતા. ત્યારબાદ આ બંનેને રસ્તા માર્ગે સાતથી આઠ કલાકની યાત્રા અને બોટમાં એક નદી પાર કરી મ્યાનમાર લઈ જવામાં આવ્યા. અહીં તેમને કેકે એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં 2500 લોકો કામ કરી રહ્યા છે. આ લોકો પાસે અમુક ફોર્મ ભરાવવામાં આવ્યા હતા પણ આ ફોર્મ પર લખેલ શરતો ખૂબ જ આકરી હોવાથી આ બંનેએ ફોર્મ ન ભરતા પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરતા એક શસ્ત્રધારી વ્યક્તિ આવી ગયો હતો.
જોકે બંનેએ દબાણ હેઠળ ફોર્મ ભર્યા હતા. ત્યારબાદ પણ બંનેએ નોકરી ન કરવા માગતા હોવાનું રટણ ચાલુ રાખતા અંતે તેમને 1.80 લાખ થાઈ બહાત (થાઈલેન્ડનું ચલણ)નું બીલ આપવામાં આવ્યું હતું. આ બંને યુવાનોનાં પરિવારજનોએ અંતે પાંચ-પાંચ લાખ રૂપિયાની ખંડણી ચૂકવ્યા બાદ જ બંનેએ છોડવામાં આવ્યા હતા. આ બંનેનાં વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવાથી થાઈ સત્તાવાળાઓએ પણ તેમને પકડયા હતા અને દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ 33 દિવસ ત્યાં વિતાવ્યા બાદ બંને હેમખેમ મુંબઈ પાછા ફર્યા હતા અને ડોંગરી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500