સુરતના લીંબાયત નીલગીરી સર્કલ પાસે શનિવારે રાત્રે મિત્ર સાથે બુટની ખરીદી કરવા મોપેડ પર નીકળેલા શ્રમિકના મોપેડને રોંગ સાઇડથી મોપેડ પર આવેલા બે અજાણ્યાએ ટક્કર મારી શ્રમિકને પાડી દીધા બાદ ચપ્પુની અણીએ તેનું અપહરણ કરી લૂંટી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુરનો વતની અને સુરતમાં ડિંડોલી રામીપાર્ક પાસે મીરાનગર 2 ઘર નં.બી/28 માં રહેતો 22 વર્ષીય આશિષ નરેશ પાલ સિલાઈ મજૂરીકામ કરે છે.ગત શનિવારે રાત્રે આઠ વાગ્યે તે મિત્ર સુનીલનું મોપેડ લઈ અન્ય મિત્ર રાજકરણ ચૌધરી સાથે બુટની ખરીદી કરવા જતો હતો ત્યારે લીંબાયત નીલગીરી સર્કલ પાસે સાંઈરથ ટ્રાવેલ્સની સામે સામેથી રોંગ સાઇડથી મોપે પર બે અજાણ્યા આવ્યા હતા અને તેના મોપેડ સાથે અથડાતા આશિષ નીચે પડી ગયો હતો.
બે અજાણ્યા પૈકી પાછળ બેસેલાએ નીચે ઉતરી ઝઘડો કરી મોપેડને નુકશાન થયું છે તેમ કહી પૈસા માંગ્યા હતા.આશિષે તમે રોંગ સાઇડથી આવ્યા છો અને કોઈ નુકશાન થયું નથી તેમ કહેતા અન્ય મોપેડના ચાલકે તેને બે તમાચા ચોડી દીધા હતા.બાદમાં પાછળ બેસેલાએ તેમના મોપેડની ડીક્કીમાંથી ચપ્પુ કાઢી તેને આશિષના કમરના ભાગે મૂકી બળજબરીથી પોતાના મોપેડ પર બેસાડયો હતો અને રસ્તામાં કોઈકને ફોન કરી આવવા જાણ કરી તેને ઉધના રેલવે બ્રિજ નીચે ગરનાળામાં લઈ જઈ ત્યાં બાઈક પર પહોંચેલા બે અજાણ્યા સાથે મળી માર માર્યો હતો.
ત્યાંથી તેને એમટુએમ માર્કેટ પાસે લઈ જઈ ચારેયે માર મારતા આશિષ ભાગીને માર્કેટમાં દોડી ગયો તો ચારેય તેની પાછળ ચોરચોરની બૂમો પાડતા આવ્યા હતા અને પકડીને માર્કેટની બહાર લાવી ત્યાં ઉભેલા રીક્ષા ચાલકના ફોનથી મિત્રને ફોન કરાવી રૂ.2 હજાર મોપેડ ચાલકે આપેલા નંબર પર ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તેને કિન્નરી ટોકીઝ પાસે અગર હમારે ખિલાફ પોલીસ કેસ કીયા તો જાનસે માર દેંગે તેવી ધમકી આપી ત્યાં છોડીને ભાગી ગયા હતા.બનાવ અંગે આશિષે ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ચાર અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500