Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેડા : વરસોલાના વાઠવાડી રોડ પર આવેલ એક ફેક્ટરીમાંથી લાખોની કિંમતનો શંકાસ્પદ વનસ્પતિ ઓઇલ અને ચોખ્ખા ઘી’નો જથ્થો પકડાયો

  • November 06, 2023 

ખેડાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ખાતે વાઠવાડી રોડ પર આવેલ બાલાજી માર્કેટિંગ નામની ફેક્ટરીમાંથી પોલીસ અને ગાંધીનગરની ટીમ દ્વારા લાખોની કિંમતનો શંકાસ્પદ વનસ્પતિ ઓઇલ તેમજ ચોખ્ખા ઘી’નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, મહેમદાવાદના વરસોલા ગામ ખાતે વાઠવાડી રોડ પર અમદાવાદના ઘોડાસરના નંદીશ સંજય મોદી નામના ઈસમની વર્ષોથી બાલાજી માર્કેટિંગ નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં વનસ્પતિ ઓઇલ અને ચોખ્ખા દેશી ઘી’નું ઉત્પાદન કરવામાં આવે છે. દરમિયાન મહેમદાવાદ પોલીસ મથકના પી.આઈ. અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.



ત્યારે પોલીસ ટીમે નંદીસ મોદીની આ બાલાજી માર્કેટિંગ નામની ફેક્ટરીમાં શંકાને આધારે છાપો માર્યો હતો. પોલીસ ટીમે ફેક્ટરીમાં તપાસ હાથ ધરતાં લાખોની કિંમતનો શંકાસ્પદ વનસ્પતિ ઓઇલ તેમજ દેશી ઘી’નો જથ્થો ઝડપી પાડી તેને સીઝ કરવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન પોલીસ દ્વારા આ અંગે ખેડા જિલ્લા ફ્ટ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એફ.એસ.એલ.ને જાણ કરતા બંને ટીમો ત્યાં દોડી આવી હતી. ટીમ દ્વારા ફેક્ટરીમાંથી વનસ્પતિ ઓઇલ તેમજ ઘી’ના જથ્થાના સેમ્પલ લઈ તપાસણી અર્થે લેબોટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.



આ વચ્ચે ફેક્ટરીના કર્તા હર્તા પોતાના મળતીયા સાથે ફેક્ટરી ખાતે દોડી આવ્યા હતા અને પોતાના રાજકીય છેડાં અડાડવાના પ્રયાસ શરૂ કર્યા હતા. સમગ્ર મામલા પર પડદો ઢાંકવા માટે પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે. આ અગાઉ પણ પોલીસે આ ફેક્ટરી પર કાર્યવાહી કરી હતી પરંતુ જે તે સમયે સમગ્ર મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ શંકાસ્પદ ઘી’ના જથ્થાનો રેલો અંબાજી મંદિર સુધી પહોંચે તેવી શક્યતા છે. અંબાજી મંદિરમાં પણ આ જ ઘી સપ્લાય થતું હોવાની ચર્ચા નગરમાં છે ત્યારે હવે સેમ્પલ આવ્યા પછી આ ઘીની ગુણવત્તા સ્પષ્ટ થશે. તેમજ અંબાજી મંદિરમાં પણ આ જ ઘી મોકલવામાં આવતું હતું કે કેમ??? તે પણ સ્પષ્ટ થશે. તંત્ર સમગ્ર મામલે રાજકીય દબાણમાં આવે છે કે પછી તટસ્થ તપાસ થાય છે તે જોવું રહ્યું. આ બાબતે નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા જાણ કરવામાં આવતાં જ ટીમ મહેમદાવાદ જવા માટે રવાના થઈ છે અને સેમ્પલ લઈને તેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application