Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતની કીમ પોલીસે માનવતા મહેકાવી,આખું વૃદ્ધાશ્રમ દત્તક લેતા લોકોએ સેવાકીય કામગીરીને બિરદાવી

  • April 19, 2023 

ગુજરાત પોલીસનું સૂત્ર છે સેવા, શાંતિ અને સુરક્ષા ત્યારે પોલીસના આ જ સૂત્રને સુરત ગ્રામ્યની કીમ પોલીસે ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે અને વધુ એકવાર કઠોર પોલીસનું નરમ રૂપ જોવા મળ્યું છે. સુરતની કીમ પોલીસે વૃદ્ધાશ્રમને દત્તક લીધું છે. કીમ પોલીસ મથકના પોલીસકર્મી પોતાના પગારમાંથી આર્થિક મદદ કરી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને પારિવારિક સહાનુભૂતિ પૂરી પાડી રહ્યા છે. કીમ પોલીસ વૃદ્ધોની જમવા, કપડાં સહિત સ્વાસ્થ્યનું રેગ્યુલર ચેકઅપ માટે તત્પર છે અને તમામ પ્રકારની જવાબદારી સંભાળવા કીમ પોલીસે તૈયારી બતાવી છે. પોલીસનું આ રૂપ જોઈ વૃદ્ધાઆશ્રમ ખાતે રહેતા વૃદ્ધોની આંખોમાં પણ ખુશીના આંસુ સરી પડ્યા હતા.


જે.એસ. રાજપૂત, પીએસઆઈ, કીમ પોલીસ મથક

કોરોનાકાળમાં આપણે પોલીસના કઠોર અને નરમ બંન્ને રૂપ જોયા જ છે. પોતાના જીવની ચિંતા કર્યા વિના કોરોના જેવી ભયાનક જીવલેણ રોગમાં પણ પોલીસને લોક સેવામાં ખડેપગે ઊભા રહેતા આપણે જોયા છે. એટલે જ પોલીસને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ પણ કહેવાયા છે. આ સાથે સેવા, સુરક્ષા અને શાંતિના સંદેશા સાથે પ્રજાની સહાયતા માટે સદા તત્પર રહેતી સુરત જિલ્લા પોલીસનું માનવીય અભિગમ કેળવાય રહે તે માટે માનવતા ભર્યું આ ઉત્તમ કાર્ય જોવા મળ્યું છે.


જે.એસ. રાજપૂત, પીએસઆઈ, કીમ પોલીસ મથક

આમ તો પોલીસ દ્વારા કોરોના કાળમાં ગાઇડ લાઈનનું પાલન કરાવવાની વાત હોય કે પછી પ્રજાને વ્યાજના દુષણમાંથી બહાર લાવવા માટે લોન ધિરાણ અભિયાનની વાત હોય કે પછી જન જાગૃતિની વાત હોય, ખાસ કરીને સિનિયર સિટીઝન લોકોને પોલીસની SHE ટીમ દ્વારા સાઇબર ફ્રોડ વિશે માહિતી આપી જાગૃતિ ફેલવાય રહી છે. ત્યારે વધુ એકવાર પોલીસની લોક સેવા માટેની ઉત્તમ કામગીરી સામે આવી છે અને આ ઉત્તમ કામગીરીને સુરત ગ્રામ્યની કીમ પોલીસે સાબિત કરી બતાવી છે. કીમ પોલીસ મથકના પી.એસ.આઇ જે.એસ રાજપૂત અને પોલીસ સ્ટાફ દ્વારા કીમમાં આવેલ મા-બાપ વૃદ્ધાશ્રમને દત્તક લઈ ખુબ જ ઉમદા કાર્ય કરી માનવતા મહેકાવી છે, જેની લોકો ખૂબ જ પ્રસંશા કરી રહ્યા છે.


વિરજીભાઈ ચૌહાણ, વૃદ્ધાશ્રમ સંચાલક

થોડા મહિના અગાઉ ચૂંટણી સમયે બહારથી આવેલ પોલીસના રહેઠાણની વ્યવસ્થા કરવા માટે કીમ પોલીસ મથકના પીએસઆઇ જે.એસ રાજપૂતને "મા-બાપ" વૃદ્ધાશ્રમ પર જવાનું થયું હતું. પુત્રો અને સગા સંબંધીઓથી તરછોડાયેલ કે અન્ય રીતે દુઃખી અને જીવનના આખરી પડાવ પર આવી ઊભા રહેલા વૃદ્ધોને જોઈ ખાખી વર્ધીમાં રહેલા આ પોલીસ અધિકારીને વૃદ્ધો પ્રત્યે અનુકંપા જાગી હતી. નિરાધાર વૃદ્ધો માટે કઈક કરી બતાવવાના ભાવ સાથે પીએસઆઇ જે.એસ. રાજપૂત દ્વારા વૃદ્ધાશ્રમને દત્તક લેવાની પહેલ કરી હતી અને આ પહેલને પોલીસ મથકના અન્ય સ્ટાફ મિત્રોએ હર્ષ સાથે વધાવી લીધી હતી.


વનાર, ડી.વાય.એસ.પી,સુરત ગ્રામ્ય

કીમ પોલીસે એટલું જ નહિ પરંતુ પોતાના પગારમાંથી દર મહિને આર્થિક મદદ ભેગી કરી કાયમ આ વૃદ્ધાશ્રમમાં મદદ કરવાનું નક્કી કર્યું છે. આ સેવાકીય પહેલની શરૂઆત કરી કીમ પોલિસ સ્ટેશનનો સ્ટાફ ફળફળાદી લઈ વૃદ્ધાશ્રમ પર પહોંચ્યો હતો. વર્દીમાં સહાનુભૂતિ હૂંફ સાથે વૃદ્ધઆશ્રમ ખાતે પહોંચેલી પોલીસને જોતા વૃદ્ધાઆશ્રમ રહેતા વૃદ્ધોના આંખોમાં પરિવારરૂપી હર્ષ જોવા મળ્યો હતો. આ સાથે સાથે વૃદ્ધોને નાસ્તો,ભોજન,મેડિકલ સહિત વર્ષ દરમિયાન યાત્રા પણ કરાવશે તેમ જાણવા મળે છે. કીમના બે ભાઈઓ વિરજીભાઈ અને વિનોદભાઈ દ્વારા 2014થી વૃધ્ધાશ્રમ ચલવવામાં આવે છે. હાલમાં 8 જેટલા વૃદ્ધો આ વૃદ્ધાશ્રમમાં રહે છે. ત્યારે કીમ પોલીસ સ્ટેશન દ્વારા વૃદ્ધાશ્રમને દત્તક લેતા વિરજીભાઈએ ખુશી સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.



બી.કે. વનાર, ડી.વાય.એસ.પી, સુરત ગ્રામ્ય

કહેવાય છે કે,યુનિફોર્મની કિંમત ત્યારે વધે છે,જ્યારે માતા, બહેનો, પીડિત, શોષિત વંચિત માટે કઈ કરવાની આકાંક્ષા અંતરમાં જાગે છે. આજ વાક્યને ખરા અર્થમાં સાકાર કરતી સુરત ગ્રામ્યની કીમ પોલીસ અભિનંદનને પાત્ર બની છે. ત્યારે કીમ પોલીસ મથકના પીએસઆઇ જે.એસ રાજપૂત અને સમગ્ર પોલીસ સ્ટાફને માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા બદલ દિલથી સલામ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application