રાજયના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લાનાં તા.10થી 20 જાન્યુઆરી દરમિયાન ચાલનારા ‘કરૂણા અભિયાન'ને અસરકારક બનાવી મૂંગા પશુ-પક્ષીઓના જીવન બચાવામાં સૌને પરસ્પર સંકલન સાથે કામગીરી હાથ ધરવાની ડાંગ કલેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હિમાયત કરી છે. પ્રતિવર્ષ ઉત્તરાયણના તહેવારો સાથે યોજાતા 'કરૂણા અભિયાન'દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર અને સુશ્રુષા ઉપર રાજય સરકાર દ્વારા વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને ‘જીવદયા'ની ભાવના જગાવવામા આવે છે.
આ વર્ષે પણ તા.10થી 20 જાન્યુઆરી દરમિયાન ‘કરૂણા અભિયાન'નાં ભાગરૂપે ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકા આહવા, વઘઇ અને સુબીરમાં ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર સાથે વિશેષ ટીમની રચના કરી કામગીરી હાથ ધરવામાં આવશે. આહવા તાલુકામાં પશુ દવાખાનુ-આહવા સંપર્ક નંબર 97249 86604, 94088 06614, વઘઈ તાલુકા માટે પશુ દવાખાનું વઘઇ સંપર્ક નંબર 97268 50248, 94272 38513 તથા સુબીર તાલુકા માટે પશુ દવાખાનુ-સુબીર સંપર્ક નંબર 82008 55988, 94265 01366 જાહેર કરાયા છે. આ નંબરો ઉપર જિલ્લાના પ્રજાજાનો ઘાયલ પશુ-પક્ષીઓ વિશેની જાણકારી સવારે 7થી સાંજનાં 6 વાગ્યા સુધી આપી શકે છે.
‘કરૂણા અભિયાન' અંતર્ગત આયોજિત બેઠકને સંબોધતા કલેક્ટરએ ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે સ્થાનિક વન વિભાગના સંકલન સાથે આ અભિયાન અંગે વ્યાપક જનજાગૃતિ કેળવવા અર્થે શિક્ષણ વિભાગના સહયોગ સાથે શાળા કક્ષાએ જનજાગૃતિ કાર્યક્રમો, હોર્ડિંગ્સ-બેનર્સ પ્રદર્શિત કરવા જેવા મુદ્દે ઉપયોગી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. આ સાથે જિલ્લામાં ચાઈનીઝ માંજો, પતંગ, તુક્કલ વગેરેના ઉપયોગ ઉપર રોક લગાવવા પોલીસ વિભાગ સઘન કાર્યવાહી કરી રહી છે, જેમા સૌને જાગૃતિ સાથે સહયોગી બનવાની અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500