કારતક સુદ દ્વાદશી એટલે તુલસી વિવાહ. આ દિવસે મહિલાઓ તુલસી અને શાલિગ્રામના વિવાહ કરાવે છે. એવું માનવામાં આવે છે કે, જે પરિવારમાં લાંબા સમયથી પુત્ર-પુત્રીના લગ્ન નથી થતા તે પરિવારના પુત્ર-પુત્રીના લગ્ન ઝડપથી થાય છે. અવિવાહિત કન્યાઓને યોગ્ય વર અને અવિવાહિત વરને યોગ્ય કન્યા મળે છે. તથા પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તુલસી વિવાહની સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. ભગવાન વિષ્ણુને તુલસી અતિપ્રિય છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ અષાઢ શુક્લ એકાદશીના રોજ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે અને દેવઉઠી એકાદશી એટલે કે કારતક સુદ એકાદશીના રોજ જાગે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ સૌથી પહેલા તુલસી સાથે વિવાહ કરે છે. એમ પણ કહેવાય છે કે, દેવો જ્યારે જાગે છે ત્યારે સૌથી પહેલી પ્રાર્થના તુલસીની જ સાંભળે છે.
શું છે શાલીગ્રામ???
શાલીગ્રામ એક ગોળ કાળા રંગનો પથ્થર છે. જે નેપાળની ગંડકી નદીના તળમાંથી મળી આવે છે. આ પથ્થરમાં એક છીદ્ર હોય છે અને તેની અંદર શંખ, ચક્ર, ગદા કે પદ્મ હોય છે. કારતક મહિનામાં ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરી પૂજન કરવાથી વ્યક્તિનું ભાગ્ય અને જીવન બંને બદલાઈ જાય છે. પદ્મપુરાણ તથા અન્ય પુરાણો અનુસાર એકવાર શિવજીએ એમના તેજને સમુદ્રમાં નિક્ષિપ્ત કર્યું હતું. એનાથી એક મહાતેજસ્વી બાળકનો જન્મ થયો. આ બાળક મોટો થતા જાલંધર નામનો પરાક્રમી અને શક્તિશાળી દૈત્યરાજ બન્યો. જેના લગ્ન કાલનેમિની કન્યા વૃંદા સાથે થયા હતા. આ જાલંધરે સત્તા અને શક્તિના જોરે લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા દેવો સાથે યુદ્ધ કર્યું. પરંતુ લક્ષ્મીજીએ તેમને પોતાનો ભાઈ માન્યો.
કારણ કે જાલંધર પણ સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયો હતો. ત્યારબાદ જાલંધરે પાર્વતીજીને પ્રાપ્ત કરવા શિવનું રૂપ ધારણ કર્યું અને પાર્વતીજી પાસે ગયો. પરંતુ પાર્વતીજીએ પોતાના યોગ-બળથી તેને ઓળખી ગયા અને અંતર્ધાન થઈ ગયા. એ પછી પાર્વતીજીએ આ કરતૂત ભગવાન વિષ્ણુને જણાવી અને ભગવાન વિષ્ણુએ જાલંધરનો વધ કરવાનો નિર્ણય લીધો. જોકે જાલંધરનો વધ કરવો મુશ્કેલ હતો. કેમ કે જાલંધરની પત્ની વૃંદા અત્યંત પતિવ્રતા અને ધર્મપરાયણ હતી. જેના લીધે જાલંધરને મારવો કે યુદ્ધમાં હરાવી શકાતો નહોતો. જો વૃંદાનો પતિવ્રતા ધર્મ ખંડિત થાય તો જ જાલંધરનો વધ થાય એમ હતું. એટલે દેવોના કહેવા મુજબ ભગવાન વિષ્ણુએ એક યોજના બનાવી.
જેમાં ભગવાન વિષ્ણુ એક ઋષિનું રૂપ ધારણ કરી વૃંદા પાસે આવ્યા અને પોતાની માયાથી બે રાક્ષસો ઉત્પન્ન કરી તેમનો વધ કર્યો. આ તાકાત જોઈ વૃંદાએ કૈલાસ પર્વત પર શિવજી સાથે યુદ્ધ કરી રહેલા પોતાના પતિ જાલંધર વિશે પૂછ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ ફરીથી પોતાની માયા થકી બે વાનર પ્રગટ કર્યા. એક વાનરના હાથમાં જાલંધરનું માથું અને બીજાના હાથમાં જાલંધરનું ધડ હતું.આ જોઈ વૃંદા મૂર્છિત થઈ ગઈ.ત્યારબાદ ભાનમાં આવતા તેણે ઋષિને એટલે કે, ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે તેમના યોગ-બળથી તેના પતિ જાલંધરને જીવિત કરી દે.વિષ્ણુએ વિનંતીનો સ્વીકાર કરી પોતાની માયાથી જાલંધરનું મસ્તક અને ધડ જોડી દીધા. પછી ભગવાન વિષ્ણુ તે જાલંધરના શરીરમાં પ્રવેશી ગયા.
વૃંદાને એમ થયું કે, આ જ તેનો પતિ જાલંધર છે. પરંતુ માયાથી જાલંધર બનેલા ભગવાન વિષ્ણુ સાથે વૃંદા એક પત્ની તરીકેનો વ્યવહાર કરી દાંપત્ય સુખ માણવા લાગી. આમ કરવાથી એના સતીત્વનો ભંગ થયો. આ સતીત્વનો ભંગ થતા જ જાલંધર યુદ્ધમાં હારી ગયો અને દેવોના હાથે મરણ પામ્યો. પરંતુ વૃંદાને જ્યારે સાચી હકીકતની ખબર પડી કે, ભગવાન વિષ્ણુએ તેની સાથે છળ કપટ કર્યું છે ત્યારે તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે તેઓ શિલા-પથ્થર બની જાય. ત્યારબાદ વૃંદા સતી બની શરીરનો ત્યાગ કરી દીધો. સતી જ્યાં બળીને ભસ્મ થઈ ત્યાં તે તુલસીના છોડ રૂપે જન્મી.
જેને ભગવાન વિષ્ણુએ પોતાની પ્રાણપ્રિયા બનાવી. તથા તેની સાથે વિવાહ પણ કર્યા. સાથે તુલસીને વરદાન આપતા ભગવાન વિષ્ણુએ કહ્યું હે તુલસી, તું મને લક્ષ્મીથી પણ વધારે પ્રિય બની ગઈ છે. હવે તું તુલસી સ્વરૂપે સદાય મારી સાથે જ રહીશ. મારી પૂજા તારા થકી જ થશે. તું મારું આસન બનીશ. તારા પત્ર પર શાલિગ્રામ પથ્થર રૂપે હું સદા બિરાજમાન થઈશ. જે મનુષ્ય તારા મારી સાથે લગ્ન કરાવશે તેનું દાંપત્ય સુખ અક્ષુણ્ણ રહેશે. તે દંપતી એકમેકને સદા પ્રિય રહેશે. તેમનો એકબીજા માટેનો પ્રેમ નિરંતર વધતો જ રહેશે. તે મારી કૃપાના અધિકારી બની સંસારના તમામ સુખ, સંપત્તિ, સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરશે. આ પછી તુલસીએ પુનઃ અવતાર ધારણ કરી રુકિમણી રૂપે ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કર્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application