Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ રૂપાલાને થપ્પડ મારવાની વાત કરી

  • April 07, 2024 

રૂપાલાના વિવાદની આગ હવે વધુ ભભૂકી ઉઠી છે. તો બીજી તરફ, 7 ક્ષત્રિયાણીઓની જૌહરની ચીમકીના પગલે કમલમમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત....મોટી સંખ્યામાં પોલીસ કાફલો પ્રદેશ ભાજપના કાર્યાલયે ખડકાયો છે. બેરિકેટિંગ અને ફાયરબ્રિગેડની ગાડી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. હાલ ક્ષત્રિયાણીઓને નજરકેદ કરી છે. ત્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાને ચાર-પાંચ થપ્પડ પડશે તો ઠીક થઈ જશે. પરેશ રાવલે પણ વિવાદિત ટીપ્પણી કરી હતી. એક થપ્પડ પડ્યા બાદ પરેશ રાવલે માફી માગી હતી. રૂપાલાને પણ થપ્પડ પડશે તો ઠીક થઈ જશે. ત્યારે ભડકાઉ ભાષણ કરનાર મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી હતી.


મહિપાલસિંહ સાથે આવેલા લોકો સાથે મહિલાઓને પણ સરખેજ પોલીસ સ્ટેશને લઈ જવાઈ છે.  રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષે રાજપૂત વર્સિસ રૂપાલાના જંગમાં ઝંપલાવ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હવે તો આરપારની લડાઈ થશે. રૂપાલાની ટિકિટ નહીં કપાય તો આરપારની લડાઈ થશે. જો રૂપાલાની ટિકિટ નહીં કપાય તો ભાજપને 400 નહીં મળે. અમે ઉત્તર ભારતમાં વિરોધ પ્રદર્શન કરીશું. RSS દરેક જગ્યાએ છે તો કરણી સેના પણ દરેક જગ્યાએ છે. દરેક વખતે અમારી બહેનો પર ટીપ્પણી કેમ? અમારી ઈજ્જત પર પ્રહાર કરે એને અમે માફ નહીં કરીએ.  મહિપાલસિંહ મકરાણાને જૌહર કરવાનો નિર્ણય લેનાર ક્ષત્રિયાણી મહિલાઓને મળતી અટકાવવામાં આવી હતી.


થપ્પડની વાત કરતા મહિપાલસિંહે કહ્યું હતું કે, હું તો મારી બહેન-દીકરીઓને મળવા આવ્યો છું. જો કામ આ લોકો કરી શક્યા નથી તે હું કરીશ. થપ્પડ જેવુ કંઈ નથી, જેને જે ભાષામાં સમજમા આવે તે ભાષામાં સમજાવીશું. સંજય લીલા ભણશાળીને પણ બે થપ્પડ પડ્યા હતા. બાદમા સમજમા આવ્યું હતું. આમ સજાવીશું, કે તેમ સમજાવીશું, તે તો એ લોકો જાણે. હું કંઈ થપ્પડ મારવાનો નથી. બસ ટિકિટ કપાઈ જાય અમારે કોઈને થપ્પડ નથી મારવી. તમાચા અનેક પ્રકારના હોય છે, માત્ર હાથથી જ નથી હોતા. ટિકિટ કપાય એ પણ તમાચો જ છે.  તેમણે ચીમકી આપતા કહ્યુ કે, અમે ‘કમલ કા ફૂલ અમારી ભૂલ’ કેમ્પેઈન શરૂ કરીશું. ક્ષત્રિયાણીઓને જૌહર કરવાની જરૂર નથી.


ક્ષત્રિયાણીઓ જૌહર કરે તે પહેલા ક્ષત્રિયભાઈ શાકા કરશે. રાજપુત યુવા શાકા કરશે જે બાદ જોહરની અનુમતી આપીશું. આવી રીતે જૌહર નહીં કરવા દઈએ. ક્ષત્રિય બહેનોને ચિંતા કરવાની જરૂર નથી તેમના ભાઈઓ જીવિત છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે. હજુ સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં આવી નથી.  મહિપાલસિંહે કહ્યુ હતું કે, અમારી બહેન દિકરીઓને આ પગલુ ભરવુ પડી રહ્યું છે તો શું સ્થિતી રહી હશે. શું કોઈ ઉમેદવારને એવી છૂટ મળે છે કે એક સમાજને ખુશ કરવા બીજા સમાજ વિશે આવી ટિપ્પણી કરે. કોઈ પણ સમાજની દિકરી હોય બધાની ઈજ્જત એક સમાન છે. પાટીદારની દિકરી હોય કે દલિતની દિકરી હોય બધાની ઈજ્જત સમાન છે. રૂપાલા પોતાનો પ્રચાર શરૂ કરી ચૂક્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં બહુ તફાવત નથી. ભાજપનો પરંપરાગત વોટબેંક રાજપૂત છે. વાજપેયી, અડવાણી, મુરલી મનોહર જોશી હતા તો ભૈરોસિંહ શેખાવત પણ પાર્ટી ઉભી કરવામાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application