Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રામલ્લાની મૂર્તિને ભવ્ય રૂપ આપનાર કર્ણાટકના મૂર્તિકાર અરૂણ યોગીરાજનાએ આપ્યું આ નિવેદન

  • January 22, 2024 

‘હું આજે સમગ્ર વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું.’ આ શબ્દો છે દિવસ-રાત મહેનત કરીને રામલ્લાની મૂર્તિને ભવ્ય રૂપ આપનાર કર્ણાટકના મૂર્તિકાર અરૂણ યોગીરાજના. મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમણે નિવેદન આપ્યું હતું કે બધું સ્વપ્ન સમાન લાગી રહ્યું છે, હું સમગ્ર ધરતી પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. પૂર્વજોના આશીર્વાદ, મારા પરિવાજનોના આશીર્વાદ અને પ્રભુ શ્રીરામના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે.” આમ કહીને અરૂણ યોગીરાજે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.


ArunYogiraj એક ખૂબ જ પ્રખ્યાત મૂર્તિકાર છે જેમણે પહેલા પણ અનેક ઐતિહાસિક મૂર્તિઓ બનાવી છે. તેમણે પહેલા આદિ શંકરાચાર્યની મૂર્તિ બનાવી હતી જેને પવિત્ર કેદારનાથ ધામમાં મુકવામાં આવી છે, ઉપરાંત તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પણ મૂર્તિ બનાવી છે, તેને દિલ્હીના ઇન્ડિયાગેટ પાસે સ્થાપિત કરવામાં આવી છે. રામલલ્લાની ભવ્ય મૂર્તિ બનાવવા બદલ મૈસુરની એક પ્રખ્યાત મીઠાઇની દુકાનના માલિક દ્વારા અરૂણ યોગીરાજ અને તેના સમગ્ર પરિવારને અલગ અલગ પ્રકારની મીઠાઇઓના બોક્સ ભેટમાં આપ્યા હતા.


અરૂણે લગભગ સાત મહિના પહેલા મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “મૂર્તિ એક બાળકની હોવી જોઇએ તેવું મને કહેવાયું હતું. પરંતુ તેની અંદરની દિવ્યતા પણ ઝળકવી જોઇએ. પ્રભુના અવતારની મૂર્તિ હોવાને કારણે દર્શનમાત્રથી શ્રદ્ધાળુ ધન્યતા અનુભવે તે રીતે મૂર્તિનું નિર્માણ કરવાનું હતું.”



અરૂણ મૂર્તિ નિર્માણકાર્યમાં લાગેલા હોવાને કારણે સતત 6 મહિના સુધી તેમના પરિવારજનોને મળ્યા નહોતા. તેઓ સતત અયોધ્યામાં સાત્વિક ભોજન પર રહ્યા. પોતાના કુળદેવની પૂજાની સાથે તેઓ દરરોજ દિવસની શરૂઆત કરતા. તે પછી રામમંદિરમાં જે પૂજા-અર્ચના થતી તેમાં ભાગ લેતા. એક વખત તો નિર્માણકાર્ય દરમિયાન તેમને આંખોમાં ઇજા પણ થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application