Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કર્ણાટક સરકારે બહાર પાડી ગાઈડલાઈન : વૃદ્ધો, બિમાર લોકો, સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ બહાર નીકળતા પહેલા માસ્ક પહેરવું જરૂરી

  • December 20, 2023 

દેશમાં ફરી કોરોના કેસો વધતા લોકો ચિંતિત બન્યા છે. દેશભરમાં 335 નવા કેસ અને 5 લોકોના મોત નોંધાયા બાદ કેન્દ્ર અને વિવિધ રાજ્યોની સરકારો એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જારી કર્યા બાદ કર્ણાટક સરકારે પણ ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં 60 વર્ષથી વધુના વૃદ્ધો, બિમાર લોકો, સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ બહાર નિકળે ત્યારે માસ્ક પહેરવા જણાવાયું છે. ઉપરાંત લોકોને ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવા પણ કહેવાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પડાઈ હતી, ત્યારે ગતરોજ કર્ણાટક સરકારે અડવાઈઝરી બહાર પાડી છે. કેરળમાં કોરોનાનો સબ વેરિયન્ટ JN.1નો કેસ સામે આવ્યા બાદ મોટાભાગના રાજ્યોએ સાવધાની અને તેના ઉપાયો પર ધ્યાન વધાર્યું છે. આરોગ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે જણાવ્યું કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અમે તાજેતરમાં એક બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓ અને નિષ્ણાતો વચ્ચે રોગચાળાને અટકાવવા અંગે ચર્ચા થઈ હતી. હાલ પડોશી રાજ્ય કેરળના લોકોની અવર-જવર પર કોઈ પ્રતિબંધ લગાવાયો નથી.



કેન્દ્ર સરકારે પણ કોવિડ-19ના નવો વેરિયન્ટ JN-1નો પ્રથમ કેસ સામે આવ્યા બાદ નવી ગાઈડલાઈન બહાર પાડી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોએ નિયમિત જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવા તેમજ તેનું નિરીક્ષણ કરવા આદેશ આપ્યો છે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR ટેસ્ટ સહિત દરેક જરૂરી ટેસ્ટ કરવા પણ સલાહ આપી છે. ઉપરાંત, જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG પ્રયોગશાળાઓમાં પોઝીટીવ સેમ્પલ મોકલવા પણ જણાવાયું છે. સંક્રમણને કાબૂમાં લેવા ફરી એકવાર સામૂહિક ટેસ્ટ શરૂ કરવામાં આવશે. તેમજ જેમને શ્વાસની તકલીફ છે તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. હાલના સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર સમગ્ર દેશમાં 1800થી વધુ કોવિડ કેસમાં 1600થી વધુ કેસ કેરળમાંથી સામે આવ્યા છે.



કેરળમાં કોવિડના કારણે 4 લોકોનું મૃત્યુ થતા કર્ણાટકે સાવચેતી રાખવાનું શરુ કર્યું છે. કેરળમાં કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 વિષે જાણકારી મળી છે. તારીખ 8 ડિસેમ્બરે તિરુવનંતપુરમના કારાકુલમથી RT-PCR પોઝીટીવ સેમ્પલ દ્વારા સબવેરિયન્ટની જાણકારી મળી હતી. તેમજ શનિવારે બે લોકો મૃત્યુ પામતા લોકોમાં ફરી કોરોનાને લઈને ડર જોવા મળી રહ્યો છે. ગાઈડલાઈનમાં વૃદ્ધોને ખાસ સતર્ક રહેવા કહ્યું છે. ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું કે, જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમજ જેમને હૃદય રોગની સમસ્યા છે કે અન્ય કોઈ ગંભીર બીમારી છે તો તેમણે માસ્ક પહેરવું ફરજીયાત છે. આ ઉપરાંત હોસ્પિટલોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ કેરળ સાથે જે રાજ્યો સીમા ધરાવે છે તેમને પણ ખાસ સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.



કોરોના વાયરસે એક મહામારી બનીને વિશ્વની આરોગ્ય સિસ્ટમ અને અર્થતંત્રને તોડી નાખ્યું હતું ત્યારે હવે ભારતમાં કોરોના વાયરસના 335 નવા કેસ ગઈકાલે સામે આવતા ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા મુજબ કોરોના સંક્રમણથી દેસમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. અને નવા 335 કેસ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે. આ માહિતી મુજબ કોરોના વાયરસથી સાજા થનાર લોકોની સંખ્યા વધીને 4,44,69,779 થઈ ગઈ છે અને રિકવરી રેટ 98.81 ટકા છે. કોરોના સંક્રમણથી મૃત્યુદર 1.19 ટકા છે જ્યારે રિકવરી રેટ 98.81 ટકા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application