નર્મદા જિલ્લામાં ચાર દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જિલ્લામાં પુરની પરિસ્થિતિ નિર્માણ પામી છે. આજે પણ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, અને કરજણ ડેમ પણ ઓવરફ્લો થતા નર્મદાના 7 અને ભરૂચના 12 ગામોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જેને કારણે જનજીવન પર મોટી અસર પડી છે. કરજણ ડેમમાંથી 2 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ખેડૂતોના ઉભાપાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જયારે કરજણ નદી પાસે આવેલ તલકેશ્વર મહાદેવ મંદિરે આજે મંદિરે જલસમાધી લઈ લીધી છે.
જોકે જિલ્લામાં આજે પણ ડેડીયાપાડા અને સાગબારાના 12 થી 15 ગામો સંપર્ક વિહોણા થયા છે. જેમાં, ગરડા, ખામ, ભૂતબેદા, મંડાણ, ખાબજી, તાબદા, મોવી, મોઝદા, તરાવ નદી, ડુમખલ ગામ, દેવનદી, આ ડેડીયાપાડા પાસે આવેલ ગામોનો સમાવેશ થાય છે. સાગબારામાં ચોપડવાવ સહિત મહારાષ્ટ્ર સાથે જોડાયેલ 8 ગામો મોટી દેવરૂપ, પાચપીપલી, ઉભરીયા, બોરફળી સહિત ગામોને અસર પહોંચી છે.
નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં NDRF અને SDRF ટીમે રાજપીપલામાં 25 લોકોને રેસ્ક્યુ કર્યા છે. સાથે જ કરજણ નદીના પાણીમાં તણાઈ ગયેલી બે વ્યક્તિઓને શોધવાની કામગીરી શરુ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500