વલસાડ એસઓજીની ટીમે કપરાડા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી મહારાષ્ટ્રથી આવતા બાઈક ચાલકને અટકાવી ચેક કરતા યુવક પાસેથી રૂપિયા 500ના દરની એક જ નંબર વાળી ઝેરોક્ષ કરેલી 586 ડુપ્લીકેટ નોટ મળી આવી હતી. જેથી કપરાડાના યુવકને ઝડપી પાડ્યો હતો. આમ, એસઓજીની ટીમે ડુપ્લીકેટ નોટનો જથ્થો, બાઈક અને 1 નંગ મોબાઈલ સહીતનો મુદ્દામાલ કબ્જે કરી કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાની એસઓજીની ટીમને મહારાષ્ટ્રના નાસિક થઈ કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં રૂપિયા 500ના દરની ડુપ્લીકેટ નોટનો જથ્થો લઈને યુવક બાઈક ઉપર આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે કપરાડા આરટીઓ ચેકપોસ્ટ ખાતે વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમી વાળી મોપેડ આવતા તેને અટકાવી ચેક કરતા યુવક પાસેથી રૂપિયા 500ના દરની 586 નોટનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કપરાડાના કિશન કાળુભાઇ ચૌધરીને ઝડપી પાડ્યો હતો અને રૂપિયા 500/-ના દરની કલર પ્રિન્ટ કરેલી નોટ અંગે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.
આમ, જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્રના નાસિકના ત્ર્યંબકમાંના બાફણવીહીર ગામમાં રહેતા માધવ રામદાસ બાંભણે કપરાડા ખાતે રહેતા અજાણ્યા ઇસમને રૂપિયા 2.93 લાખના દરની ડુપ્લીકેટ નોટ આપીને તેની પાસેથી રૂપિયા 40 હજારની ખરી નોટ લેવા અંગે જણાવ્યું હતું. આ કામ કરવાના કિશનને રૂપિયા 5 હજાર આપવાની વાત થઈ હોવાનું આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. જેથી એસઓજીની ટીમે ડુપ્લીકેટ નોટનો જથ્થો, બાઈક અને 1 મોબાઈલનો મુદ્દામાલ કબ્જે કરી કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500