કામરેજ ગામના પાદરથી લઈ પોલીસ મથક સુધી રેલી કાઢી દીકરીને ન્યાય આપવા માટે માંગણી કરવામાં આવી હતી. સાથે જ જો ન્યાય નહિ મળે તો મૃતદેહ નહિ સ્વીકારવા ચીમકી પણ આપવામાં આવી હતી.
ગત 29 જુલાઈના રોજ સુરતનાં ઉતરાણ ખાતે રહેતી 19 વર્ષીય યુવતી અલ્પાબેન ભુપેન્દ્રસિંહ મંડાવીયા ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી હતી. છતાં કોઈ ભાળ નહિ મળતા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ 1 ઓગસ્ટનાં રોજ કામરેજ તાલુકાના ભાદા ગામની સીમમાં એલ.એન.ટી દ્વારા બનાવવામાં આવતા નવા બ્રિજ પાસે તાપી નદીના ઊંડા પાણીમાં અજાણી યુવતીનો ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ પોલીસે તપાસ શરૂ કરતાં મળેલ મૃતદેહ સુરતની અલ્પાબેનનો હોવાનું સામે આવ્યું હતું.
કામરેજ પોલીસ દ્વારા પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે ગતરોજ યુવતીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કામરેજ પોલીસ મથક ખાતે હલ્લાબોલ કર્યું હતું. અને રેલી સ્વરૂપે દીકરીને ન્યાય અપાવવાની માંગણી સાથે પોલીસ મથકે પહોંચી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે તેઓની દીકરી સાથે દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી નાખવામાં આવી છે અને દીકરીને ન્યાય નહિ મળે તો દીકરીનો મૃતદેહ નહિ સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
એક વખત પી.એમ કરવામાં આવ્યું પરંતુ પરિવારની માંગ છે માટે ફરી પી.એમ કરાશે : આર.બી.ભાટોલ, પી.આઈ
ગત 1 ઓગસ્ટના રોજ ભાદા ગામની સીમમાં તાપી નદીમાંથી અજાણી યુવતીની ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે તે સમયે અજસ્માત મોતનો ગુનો દાખલ કરી પી.એમ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. પી.એમમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું સ્પષ્ટ થયું હતું. જોકે યુવતીના પતિવારની ફરિયાદના પગલે આજે ફરી પોલીસ અધિકારીની હાજરીમાં બીજી વખત પી.એમ કરવામાં આવશે....
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500