મદ્રાસ હાઇકોર્ટે મોટો નિર્ણય આપતાં સ્પષ્ટ કહ્યું છે કે પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય. આ સંપૂર્ણપણે વાણી સ્વતંત્રતા વિરુદ્ધ છે. એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જી.કે.ઇલાન્થિરાયને આ કડક ટિપ્પણી કરી હતી. તેમનું માનવું છે કે, જો કોઈ આ રીતે પત્રકારો પર દબાણ કરી રહ્યું છે તો તે ઉત્પીડન છે. તારીખ 23 ડિસેમ્બરના રોજ અન્ના યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ સમગ્ર ચેન્નાઈને હચમચાવી દીધું છે. આ ઘટનાના કારણે તમિલનાડુનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. અહીં એક એન્જિનિયરીંગ સ્ટુડન્ટનું યુનિવર્સિટી કેમ્પસ પાસે બિરયાની વેચતા 37 વર્ષીય વ્યક્તિ દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હતું.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થિનીએ પોતે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. શરુઆતમાં પોલીસ આ કેસને હળવાશથી લેતાં કોઈ કાર્યવાહી કરી ન હતી. પરંતુ જ્યારે સોશિયલ મીડિયા પર મામલો ઉછળતા પોલીસ એક્શનમાં આવી હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. STI દ્વારા આ મામલાની તપાસ દરમિયાન જ એજન્સીએ ઘણા પત્રકારોને સમન્સ મોકલ્યા હતા અને તેમને 50થી વધુ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં તેઓ વિદેશમાં ક્યાં-ક્યાં ગયા હતા અને તેમની પાસે કેટલા પૈસા છે. આ ઉપરાંત પણ ઘણા અંગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એવામાં હવે જ્યારે કોર્ટને આ બાબતે ખબર પડી ત્યારે કોર્ટે પત્રકારોની તરફેણમાં દલીલ કરી હતી.
જસ્ટિસ જી.કે.ઇલાન્થિરાયને કહ્યું કે જો પત્રકારો પાસેથી અંગત ડેટા માંગવામાં આવે છે, તેમની પાસેથી અંગત માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો આ માત્ર પ્રેસને હેરાન કરવાનો એક માર્ગ છે. આ પ્રેસ કાઉન્સિલ ઍક્ટની કલમ 15(2)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રેસ સ્વતંત્રતા અને ગોપનીયતા બંને એકબીજા સાથે જોડાયેલા છે. જસ્ટિસ જી કે ઇલાન્થિરાયને એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે પૂછવામાં આવેલા પ્રશ્નો ખૂબ જ અંગત હોવાનું જણાય છે અને આ ગોપનીયતાના અધિકારનું સીધું ઉલ્લંઘન છે.
કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે SIT પત્રકારોના અંગત પ્રશ્નો પૂછીને તેના અધિકારક્ષેત્રની બહાર ગઈ છે. સુપ્રીમ કોર્ટે ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો છે. આ નિર્ણય 9 જજોની બેન્ચે સર્વસંમતિથી આપ્યો છે. આ કેસમાં ચુકાદો સંભળાવતા હાઇકોર્ટે કહ્યું હતું કે તપાસની આડમાં અરજદારો(રિપોર્ટરો)ના મોબાઇલ ફોન જપ્ત કરવા, તેમના અંગત અને ખાનગી ડેટાની ઍક્સેસ આપવા માટે દબાણ કરવું અને અંગત અને ગોપનીય માહિતી જાહેર કરવાનું કહેવું એ પ્રેસ પર હુમલો કરવા અને દેખરેખના ડરથી તેમને ત્રાસ આપવા સિવાય બીજું કંઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500