ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં હીટવેવ જોવા મળી હતી. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશયી થતાં એક વ્યકિતનું મોત થયું છે. રાજસ્થાનનાં બાડમેરમાં ૪૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું તેમ હવામાન વિભાગે જાહેર કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારમાં કરા પડયા હતાં. ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશયી થયા હતાં અને શિમલા સહિત અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. રાજસ્થાનમાં હિટવેવને પગલે બિકાનેરમાં ૪૫.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
જૈસલમેર અને ફાલોદીમાં ૪૪.૮, ચુરુ અને ચિત્તોડગઢમાં ૪૪.૨, પિલાનીમાં ૪૪.૧, કોટામાં ૪૩.૩, ટોંક અને ભિલવાડામાં ૪૩.૨, ગંગાનગરમાં ૪૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હિમાચલના હમીરપુરના બરસારમાં વૃક્ષ તૂટી પડતાં આઠ વર્ષના છોકરા અભિષેક કુમારનું મોત થયું છે. લાહોલ-સ્પિતિના ગોંડલામાં એક સેમી બરફ પડયો હતો. કુલ્લુ જિલ્લાના સીઓબાગમાં સૌથી વધુ ૨૮.૮ મિમી વરસાદ પડયો હતો. શિમલા સ્થિત ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક કચેરી અનુસાર લાહોલ-સ્પિતિના કુમકુમશેરીમાં ૨૩.૮ મિમી અને શિમલા જિલ્લાના નારકાંડામાં ૧૮ મિમી વરસાદ પડયો હતો. હિમાચલ પ્રદેશમાં કરા પડવાને કારણે સફરજન સહિતના અન્ય ફળોના પાકોને નુકસાન થયું છે. કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે. ભારે વરસાદ અને બરફ પડવાની આગાહીને પગલે રાજ્યમાં શુક્રવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. પંજાબના ચંડીગઢમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500