ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સરકારી કર્મચારીઓ પોતાના મોબાઇલ ફોનમાં વોડાફોન-આઈડિયા કંપનીના પોસ્ટપેઈડ કનેક્શન વાપરતા હતા. પરંતુ,હવે ગુજરાત સરકારમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી થઈ છે. આથી હવે રાજ્ય સરકારના હજારો મોબાઇલ ફોનમાં રિલાયન્સ સિમ એક્ટિવેટ થશે. એટલે કે હવે રાજ્ય સરકારે વોડાફોન-આઈડિયા કંપનીને અલવિદા કહી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
એક રિપોર્ટ મુજબ,અત્યાર સુધી ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વોડાફોન-આઈડિયા કંપનીના પોસ્ટ પેઇડ કનેક્શન વાપરતા હતા. પરંતુ,હવે સરકારે એક પરિપત્ર જાહેર કરીને રિલાયન્સ Jioન નંબર વાપરવા માટે કર્મચારીઓને જાણ કરી છે. જે હેઠળ કર્મચારીઓ માત્ર રૂ. 37.50ના મંથલી રેન્ટલ પર Jioનો સીયુજી પ્લાન લઈ શકશે. આ પ્લાનમાં 60 સેકન્ડની પલ્સ રેટ,3 હજાર એસએમએસ ફ્રી અને કોઈપણ મોબાઈલ ઓપરેટર કે લેન્ડલાઈન પર ફ્રી કોલિંગની સુવિધા મળશે.
રાજ્ય સરકાર અને Jio વચ્ચે કરાર
મીડિયા અહેવાલ મુજબ, આ જિયો પ્લાન હેઠળ સરકારી કર્મચારીઓને પ્રતિ માસ 30 જીબી 4જી ડેટા એડ કરવા માટે રૂ. 25 અને 60 જીબી 4જી ડેટા એડ કરવા માટે રૂ. 62.50નો પ્લાન એડ કરવાનો રહેશે. ઉપરાંત, સરકારી કર્મચારીઓએ રિલાયન્સ Jioનો 30 જીબી 5જી ડેટા વાપરવા માટે રૂ.25 ખર્ચવા પડશે. જ્યારે 60 જીબી 5જી ડેટા માટે રૂ. 62.50નો પ્લાન એડ કરવો પડશે. જણાવી દઈએ કે,ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રુટિન પ્રક્રિયા હેઠળ સમયાંતરે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર પાસેથી બીડ મગાવાય છે. જે હેઠળ હવે સરકાર દ્વારા Jio સાથે કરાર કરાયા છે,જે અંતર્ગત હવે રાજ્યના સરકારી કર્મચારીઓ Jioના સિમ વાપરશે.જોકે, કર્મચારીઓના મોબાઈલ નંબર એ જ રહેશે, પરંતુ કંપની બદલાઈ જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500