ધરમપુર નગરમાં આવેલ એક એપાર્ટમેન્ટનાં બંધ ફ્લેટને ચોરટાઓએ નિશાન બનાવીને અંદાજિત રૂપિયા ૧.૧૭ લાખની ચોરી થયાની ફરિયાદ ધરમપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરમપુરના હાથીખાના પ્રતાપ બા પાર્ક ગોવિંદા કોમ્પ્લેક્ષ ફ્લેટ નંબર-૨૦૧માં રહેતા મેહુલસિંહ નટવરસિંહ ઠાકોર ધરમપુરના હનુમાનજી મંદિરની સામે પશુ આહારનું કાચું મટીરીયલ ભેગું કરી મિલો તેમજ ડેરીમાં સપ્લાય કરવાનો ધંધો કરે છે. ગત તારીખ ૨૩ જુલાઈના રોજ મેહુલસિંહ ફ્લેટ બંધ કરી વેપાર ધંધા અર્થે માટે ગયા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી નવસારી ખાતે આવેલા ઘરે રહેવા માટે નીકળી ગયા હતા.
બીજા દિને બીજા માળે પહોંચેલા પાડોશીએ મેહુલ ઠાકોરનો રૂમનો દરવાજો નીહાળ્યો હતો. પરંતુ તેઓ આવી ગયા હોવાનું અનુમાન લગાવી જાણ કરી ન હતી. પરંતુ ત્રીજા દિવસે પણ દરવાજાને ખુલ્લો જોઈ પાડોશીએ તપાસ કરી હતી. આ તપાસમાં મેહુલસિંહના ફ્લેટના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં મળી આવતા પાડોશીએ મેહુલસિંહને જાણ કરી હતી. આખરે મેહુલસિંહ ઠાકોર તેની પત્ની સાથે પરત ધરમપુર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ રૂમમાં તપાસ કરતા બે કબાટના લોક તોડીને તસ્કરો સોનાના રૂપિયા ૭૨,૦૦૦/-ના કિંમતના દાગીના તથા રૂપિયા ૪૫,૦૦૦/- રોકડા મળી રૂપિયા ૧,૧૭૦૦૦/-ની ચોરી કરી ગયાનું બહાર આવ્યું હતુ. ચોરી અંગે મેહુલસિંહે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500