નવી દિલ્હીના કર્તવ્ય પથ પર 76માં પ્રજાસત્તાક પર્વ નિમિતે વિવિધ રાજ્યો અને સરકારના વિભાગોના 31 ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા અને પ્રાચીન વિરાસતની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પરેડમાં રજૂ થતા વિવિધ ટેબ્લૉઝ માટે નાગરિકો પોતાના વોટ ઓનલાઈન આપીને "પોપ્યુલર ચોઇસ"ના શ્રેષ્ઠ ટેબ્લોને પસંદ કરી શકે છે. ગુજરાત સરકારના માહિતી વિભાગે આ પરેડમાં પ્રસ્તુત કરેલા ટેબ્લો ‘આર્નતપુરથી એકતાનગર સુધી-વિરાસતથી વિકાસના અદભૂત સંગમ’ને સૌથી વધુ વોટ જનતા જનાર્દને આપ્યા છે.
આ વિશાળ સંખ્યાના વોટિંગથી ગુજરાતના ટેબ્લો પોપ્યુલર ચોઇસમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે રહ્યો છે. ગુજરાતની ઝાંખીના 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો સી-295 એરક્રાફ્ટ ઉત્પાદન યુનિટ, સેમી કન્ડક્ટર ચીપ અને તેના આનુષંગીક ઉપકરણો તથા અટલ બ્રિજ વગેરનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિન્તુ અર્વાચીન દુહાના તાલે રાજ્યનો જોમવંતો ‘મણિયારો’ રાસ જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાતની પારંપારિક લોક સંસ્કૃતિના મેરૂ સમાન આ મણિયારા રાસને વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં પણ ત્રીજું સ્થાન મળ્યું છે.
આ સમગ્ર પ્રસ્તુતિ અને ઝાંખીએ પરેડમાં સૌના મન મોહી લીધા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઇસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી છે. આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી. વર્ષ 2024ના 75માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઇસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ 2024માં બીજો ક્રમ મેળવ્યો હતો. આ જ પરંપરામાં વધુ એક સિદ્ધિ મેળવીને 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજી વાર પ્રથમ ક્રમ મેળવીને હેટ્રીક સર્જવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500