ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટીકલ્સ વિભાગ દ્વારા વર્ષ-૨૦૦૮માં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) શરૂ કરવામાં આવી હતી. ભારત દેશ સહિત ગુજરાત રાજ્યના છેવાડાના માનવી સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ રાહતદરે મળી રહે તેવા ધ્યેયમંત્ર સાથે પ્રારંભાયેલી આ મહત્વપૂર્ણ યોજના થકી લોકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધારાની નોંઘપાત્ર અસર થઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની અને વિઝનરી નેતૃત્વ હેઠળ આ પરિયોજના અંગે નાગરિકોમાં જાગૃતતા કેળવવા અને જેનેરિક દવાઓ (Generic Medicine)ને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે “જન ઔષધિ સસ્તી ભી, અચ્છી ભી” ની થીમ સાથે તા.૦૭ મી માર્ચે “જન ઔષધિ દિવસ” ની ઉજવણી કરવામાં આવશે.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રસંગે G-20 થીમ અંતર્ગત તા.૦૩ માર્ચ, ૨૦૨૩ને શુક્રવારના રોજ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે રાજપીપલા સિવિલ હોસ્પિટલ (જુની) ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. પ્રારંભાયેલી આ રેલીનો ઉદ્દેશ્ય રાજપીપલાના નાગરિકોને જાગૃત કરી જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવાનો હતો. જેને રાજપીપલાના નગરજનોનો આવકાર મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી જન ઔષઘિ કેન્દ્રોમાં અપાતી દવાઓ બહાર મળતી દવાઓ કરતા ૫૦ % ઓછા ભાવમાં ઉપલબ્ઘ હોય છે. કેટલાક કિસ્સાઓમાં બ્રાન્ડેડ દવાઓની સરેરાશ બજાર કિંમત કરતા ૮૦-૯૦ % જેટલી સસ્તી હોય છે. “ફર્ક સ્પષ્ટ છે - દવાઓ એક, માત્ર બ્રાન્ડનો ફર્ક” કોઈ પણ પરિવારના સદસ્યોને નાની-મોટી બીમારીઓ અવારનવાર લાગુ પડતી હોય છે, ત્યારે દવાઓ પર નિર્ભર રહેવું પડતું હોય છે.
મોંઘી દવાઓ પરિવાર પર આર્થિક ભારણ વધારે છે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો તાવ, શરદી, ખાસીની દવા એક જ છે, પરંતુ જે દવા પર મોટી કંપનીનો સિક્કો એ દવા બ્રાન્ડ તથા નાની કંપની દ્વારા તૈયાર કરાયેલી દવા બજારમાં જેનેરિક દવા તરીકે ઓળખાય છે. જે બ્રાંડેડ દવાની સરખામણી ખુબ જ રાહત દરે ઉપલબ્ધ થઈ રહે છે. સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે એક નાની કંપની બ્રાન્ડેડ કે મોટી કંપનીની જેમ જ સમાન પદાર્થોનું મિશ્રણ કરીને દવાઓ બનાવે છે, ત્યારે તેને બજારમાં જેનેરિક દવાઓ કહેવામાં આવે છે. આ બે દવાઓ વચ્ચે કોઈ તફાવત નથી, માત્ર નામ અને બ્રાન્ડનો તફાવત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500