જમ્મુ-કાશ્મીર પોલીસે આજરોજ જણાવ્યું કે, ઉત્તર કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં માછિલનાં ડોબનાર વિસ્તારમાં નિયંત્રણ રેખા (LOC) પાસે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. પોલીસે જણાવ્યું છે કે, આ આતંકવાદી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીર પોલીસ ઝોને જણાવ્યું કે, ભારતીય સેનાના જવાનો અને કુપવાડા પોલીસે LOC નજીક ડોબનાર વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે.
હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. ભારતીય સેના અને રાજ્ય પોલીસ સુરક્ષા વ્યવસ્થાને લઈને સતર્ક રહે છે. ઘાટીના દરેક ખૂણે જવાનોની તૈનાતી સુનિશ્ચિત કરવામાં આવે છે જેથી કોઈપણ આતંકવાદી ઘટનાને બનતી અટકાવી શકાય. LOC નજીકનાં વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવો તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે, પાકિસ્તાન તરફથી આતંકવાદીઓને સરહદ પારથી મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં સરહદ પાર કરતા પહેલા તેમને ઠાક કરવા ખૂબ જ જરૂરી બની જાય છે.
આ પહેલીવાર નથી જ્યારે કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હોય. કાશ્મીરમાં યોજાનારી G-20 બેઠક પહેલા જ કુપવાડામાં આતંકવાદી એન્કાઉન્ટર થયું હતું. G-20ને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. જોકે એક મહિના પહેલા 3 મેના રોજ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બે આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુરક્ષામાં તૈનાત સૈનિકોએ તેમના મનસૂબા પર પાણી ફેરવતા તેમને ઠાર કરી દીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500