સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ વિરામ ફરમાવ્યા બાદ ગતરોજ ઉમરપાડામાં બે ઈંચ વરસાદ ખાબક્યા બાદ આજે બપોરે સુરત શહેર જિલ્લામાં અચાનક વિજળીના ગણગડાટ સાથે વરસાદ તુટી પડ્યો હતો. જિલ્લામાં સર્વાધિક બે કલાકમાં ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો ઉમરપાડામાં મેઘ મલ્હારને કારણે પાણીજ પાણી થઈ ગયું હતુ.
દક્ષિણ ગુજરાતમાં અને તેને અડીને આવેલા ખંભાતના અખાતમાં ડીપ્રેશન સર્જાતા ભારે વરસાદ વરસ્યો હતો.છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં છુટક છુટક વરસાદ વરસી રહ્યો છે ગતરોજ ઉમરપાડામાં બે ઈંચ મેઘરાજાની કૃપા વરસી હતી આજે નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં મેઘાનો વિરામ રહ્યો હતો.
દરમિયાન આજે રવિવારે બપોરના અરસામાં કાળા દિબાંગ વાદળોના બિહામણા ગડગડાટ અને વીજળીના તેજ લીસોટાઓ સાથે જિલ્લામાં વરસાદ તુટી પડ્યો હતો જિલ્લાના છેવાડાના તાલુકાના એવા ઉમરપાડામાં બે કલાકમાં ૯૭ મી.મી એટલે કે ચાર ઈંચ બારડોલીમાં ૫ મી.મી, કામરેજમાં ૪ મી.મી ઓલપાડમાં ૨ .મીમી, સામાનય વરસાદી ઝાપટા, સુરત સીટીમાં ૧૯ મી.મી વરસાદ નોધાયો હતો. ઉમરપાડા વિસ્તારમાં ભારે વરસાદને લઈને સીમાડા વિસ્તારોમાં પાણી ભરાતા હતા અને ચારેબાજુ નાળા છલકાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી.
ઉમરપાડામાં સતત બીજા દિવસે ધોઘમાર વરસાદ તુટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. જયારે સિંગણપોર અને વેડરોડ ને જોડતા વિયર કમ કોઝવેની સપાટીમાં ફરી વધારો થયો છે રાત્રીના ૮ વાગ્યે કોઝવેની સપાટી ૮૦,૯,૮૬ ક્યુસેક સાથે ૭.૪૨ મીટરે નોધાઈ છે.અત્રેઉલ્લેખનીય છે કે રાજય ઉપરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો હતો પરંતુ હવામાન વિભાગે છુટક છુટક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરી હતી ગતરોજ ઉમરપાડામાં બે ઈંચ ખાબક્યા બાદ આજે પણ બે કલાકમાં ચાર ઈંચ શ્રીકાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે ઉપરાંત તાપી કાંઠામાં પણ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500