જિલ્લા પંચાયત પ્રમુખએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીને અનુલક્ષીને રાજ્યભરમાં તાલુકા કક્ષાના મિલેટ્સ મેળાઓ યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે જલાલપોર તાલુકાના મરોલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો મિલેટ્સ મેળો અને પ્રદર્શન યોજાયો હતો. આ પ્રસંગે પ્રમુખએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૨૩ને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટસ્ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. આપણા ધાન્યોમાં ઉચ્ચ પોષણ ક્ષમતા છે. તેમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન, એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વોનો ભંડાર હોવાથી એવા પોષક ધાન્યોને ‘શ્રીઅન્ન’ની ઉપમા આપવામાં આવી છે. આપણી તંદુરસ્તી અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે જલાલપોર ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આરોગ્યની જાળવણી કરવા માટે પણ આપણા ખેડૂતોએ મિલેટસ ધાન્યોનું વાવેતર વધારવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મીલેટસ ધાન્યોના ઉત્પાદનને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મારી સૌ ખેડૂતોને અપીલ છે કે આપણી આવનારી પેઢી અને આપણા સૌના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ કરીએ. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ સ્વાગત પ્રવચન કરીને મિલેટ્સ પાકોનું વાવેતર વધારવા અને મોટા અનાજનો દૈનિક આહારમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને સહાય ચુકવણી અને પૂર્વ મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં. જેની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500