કેરળ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું કે, ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય સતામણીના કેસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલ દરેક નિવેદન સાચું છે તેવું માની લેવું ખોટું છે. કોર્ટે આમ પણ કહ્યું કે વર્તમાન સમયમાં જાતીય સતામણીના કેસમાં પુરુષોને ફસાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને એક મહિલા કર્મચારી દ્વારા જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા એક પુરુષને આગોતરા જામીન આપતી વખતે આ વાત કહી હતી. કોર્ટે કહ્યું કે, આ કેસમાં પોલીસે આરોપીની એ ફરિયાદની તપાસ ન કરી જેમાં તેમણે કહ્યું હતું કે, નોકરી પરથી કાઢી મૂક્યા બાદ મહિલાએ તેને ગાળો આપી હતી અને ધમકીઓ આપી હતી. કોર્ટે કહ્યું કે, 'એક ફોજદારી કેસની તપાસનો અર્થ માત્ર ફરિયાદીના પક્ષની તપાસ જ નથી, પરંતુ આરોપીના કેસની પણ તપાસ થવી જોઈએ. ફરિયાદી એક મહિલા હોવાને કારણે એવું માનવું યોગ્ય નથી કે, તેનું દરેક નિવેદન સાચું જ છે.
પોલીસ માત્ર મહિલાના નિવેદનના આધારે કાર્યવાહી ન કરી શકે. આરોપીના કેસની પણ ગંભીરતાથી તપાસ થવી જોઈએ.' કોર્ટે એમ પણ કહ્યું કે, 'હાલમાં તો મહિલાઓ દ્વારા પુરુષો પર જાતીય સતામણીના આરોપો જૂઠા હોવા છતાં પણ તેમને ફસાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો પોલીસ તપાસમાં એ સામે આવે કે, મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપ જૂઠા હતા તો પોલીસ ફરિયાદી વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકે છે. આવું કાયદો પણ કહે છે.' કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિને જૂઠા આરોપોમાં ફસાવવામાં આવે તો તેમનું નામ, સમાજમાં પ્રતિષ્ઠા અને સ્ટેટસને નુકસાન થઈ શકે છે. માત્ર પૈસાના વળતરથી તેને પાછું મેળવી ન કરી શકાય. કોર્ટે પોલીસ અધિકારીઓને સત્યની તપાસમાં સતર્ક અને સટીક રહેવાની સલાહ આપી, જેથી આવા ગુનાહિત કેસની તપાસ દરમિયાન કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન ન થાય.
તમને જણાવી દઈએ કે, મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, કંપનીના મેનેજરે જાતીય હેતુથી મારો હાથ પકડ્યો હતો. બીજી તરફ આરોપીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે મહિલાએ મને ગાળો આપી હતી અને ધમકી આપી હતી. આ સંદર્ભમાં તેમણે મહિલાના કથિત નિવેદનો પેન ડ્રાઇવમાં રેકોર્ડ કર્યા અને તેને પોલીસને સોંપ્યા હતા. કોર્ટે કહ્યું કે, આ એક એવો કેસ હતો જેમાં તપાસ અધિકારી (IO) એ આરોપીની ફરિયાદની પણ તપાસ કરવી જોઈતી હતી. કોર્ટે આરોપીને તપાસ અધિકારી સમક્ષ પેન ડ્રાઈવ રજૂ કરવાનો આદેશ આપ્યો અને તપાસ અધિકારીને તેની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો.
કોર્ટે આરોપીને 50,000 રૂપિયાના બોન્ડ અને બે સક્ષમ જામીનદારો સાથે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આરોપીને તપાસમાં સહકાર આપવા, સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કે ડરાવવાનો પ્રયાસ ન કરવાનો અને તપાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500