Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્ય સરકારનો નિર્ણય : પ્રોબેશન પીરિયડમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ કરનાર અધિકારી તેમજ કર્મચારીઓની નોકરી સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

  • October 30, 2024 

અજમાયશી ધોરણે એટલે કે પ્રોબેશન પીરિયડમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ કરનારા અધિકારી તેમજ કર્મચારીઓની નોકરી સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રામાણિકતા, નિર્ણય શક્તિ, નિષ્ઠા અને આજ્ઞાંકિતતા જેવા ગુણો નહીં હોય તો નોકરી સંતોષકારક પણ ગણાશે નહીં. રાજ્યનાં સામાન્ય વહીવટ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે, અજમાયશી ધોરણે નિયુક્ત કરેલા અધિકારી કે કર્મચારીઓનો સમય પૂર્ણ કરવા કે લંબાવવા અંગે માર્ગદર્શક સિદ્ધાંતો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં આ સેવા દરમિયાન મૂલ્યાંકન અહેવાલ લખવાની સૂચના આપવામાં આવેલી છે.


અજમાયશી સેવાઓ સંતોષકારક ગણવા માટે અધિકારી કે કર્મચારી પાસેથી અનેક ગુણોની અપેક્ષા રાખવામાં આવી છે. જેમાં પ્રામાણિકતા અને નિષ્ઠા પર વધારે ભાર મૂકવામાં આવે છે. આ સમયમાં તમામ બાબતોનું આંકલન કરી તેમનો અજમાયશી સમયગાળો સંતોષકારક ગણવા બાબતે સક્ષમ કક્ષાએ વિચારણા કરવાની થાય છે. આ બાબતોને ઘ્યાને લેતાં જો પ્રથમ દર્શનીય (પ્રાઇમા ફેસી) રીતે અજમાયશી સમયગાળો સંતોષજનક નહીં હોય તો આવા અધિકારી કે, કર્મચારીઓની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવશે. આવા અજમાયશી અધિકારી કે કર્મચારીનો સમય પૂર્ણ કરી લાંબાગાળાના હુકમો કરતાં પહેલાં આ સૂચનાઓ ચકાસી લેવાની રહેશે. આદેશનું પાલન કરવા કેબિનેટના સભ્યો, સચિવાલયના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, ખાતાના વડા, વિધાનસભાના અઘ્યક્ષ, જાહેર સેવા આયોગ, તકેદારી આયોગ, મુલ્કી સેવા ટ્રિબ્યુનલ, ગુજરાત હાઇકોર્ટ, પંચાયત સેવા પસંદગી મંડળ, માહિતી આયોગ તેમજ સરકારી કચેરીઓના વડાઓને સામાન્ય વહીવટ વિભાગ તરફથી આવી સૂચના આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application