ઈઝરાયલની સેનાએ ગાઝા બાદ હવે પેલેસ્ટાઈનના વેસ્ટ બેંક પર હુમલા શરુ કર્યા છે, ઈઝરાયલની સેનાએ વેસ્ટ બેંકના જેનિનમાં અલ-અંસાર મસ્જીદ પર રોકેટ દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલો રવિવારે વહેલી સવારે કરવામાં આવ્યો હતો, જેમાં બે પેલેસ્ટિનિયન તબીબી કર્મચારીઓ માર્યા ગયા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. અહેવાલો મુજબ આ મસ્જીદનો ઉપયોગ શરણાર્થી શિબિર તરીકે થતો હતો, જયારે ઈઝરાયલનું કહેવું છે કે મસ્જીદ ઈસ્લામિક આતંકવાદીઓનું ઠેકાણું હતું.
ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે ગુપ્તચર માહિતીથી જાણવા મળ્યું હતું કે મસ્જિદ સંકુલનો ઉપયોગ ઇઝરાયલી નાગરિકો સામે આતંકવાદી હુમલાની યોજના બનાવવા અને આતંકવાદીઓના કમાન્ડ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો હતો.મીડિયા રિપોર્ટમાં અનુસાર આ હુમલામાં બે લોકોના મોત થયા છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. અગાઉ, વેસ્ટ બેંકના નૂર શમ્સ શરણાર્થી શિબિરમાં ઇઝરાયલી સુરક્ષા દળોના ઓપરેશનમાં પાંચ બાળકો સહિત 13 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.બીજી તરફ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) એ કહ્યું છે કે તેઓ ગાઝા પટ્ટી પર હુમલા વધારવા જઈ રહ્યા છે. આની શરૂઆત રવિવારથી થશે. સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે અમે યુદ્ધના આગામી તબક્કામાં અમારી સેનાને નુકસાનથી બચાવવાનો પ્રયાસ કરીશું. લોકોને દક્ષિણ તરફ જવા માટે કહેવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500