ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચેનું યુદ્ધ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. એવામાં આ તણાવની સ્થિતિના પડઘા ભારતમાં પણ સંભળાય રહ્યા છે. દિલ્હીથી તેલ અવીવનું અંતર દૂર હોવા છતાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર અહીં પણ જોવા મળી રહી છે. દિલ્હી, મુંબઈ, હિમાચલ, રાજસ્થાન સહિત દેશના ઘણા રાજ્યોમાં એલર્ટ છે અને યહૂદી સમુદાય સાથે સંબંધિત સ્મારકો અને અન્ય સ્થળોની સુરક્ષા કડક કરવામાં આવી છે. દિલ્હી પોલીસ ઈઝરાયેલની દૂતાવાસ અને રાજદ્વારીઓને કડક સુરક્ષા પૂરી પાડી રહી છે. આ સિવાય પહાડગંજના ચાબડ હાઉસમાં પણ પોલીસ સ્ટેન્ડબાય પર છે, જ્યાં મોટી સંખ્યામાં યહૂદીઓ આવે છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં ઈઝરાયેલ પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ, ગોવા, મુંબઈ અને રાજસ્થાનના પુષ્કરની પણ મુલાકાત લે છે.
ભારતમાં જ્યાં યહૂદીઓની વસતી વધુ છે તેવા તમામ સ્થળોએ પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. યહૂદી સમુદાયના લોકો અને તેમની સાથે જોડાયેલા સ્મારકો પર હુમલાની આશંકા છે. હિમાચલના મનાલી અને ધર્મશાળામાં યહૂદી વસાહતોની સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. આ સિવાય મુંબઈમાં વહીવટીતંત્ર પણ એલર્ટ પર છે. આ સિવાય ભારતમાં યહૂદી સમુદાય સાથે સંકળાયેલા લોકોની ખાનગી સંસ્થાઓને પણ પૂરતી સુરક્ષા આપવામાં આવી છે. જો કે, યુદ્ધ ફાટી નીકળ્યા પછી મોટી સંખ્યામાં ઇઝરાયલીઓ તેમના દેશમાં પાછા ફર્યા છે. તેનું કારણ એ છે કે ઈઝરાયેલમાં સામાન્ય નાગરિકોને પણ સૈન્ય તાલીમ આપવામાં આવે છે અને તેઓ અનામત સૈનિકોની શ્રેણીમાં આવે છે.
ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને 10 દિવસ વિતિ ગયા છે, ત્યારે ઈઝરાયેલી સેનાના જણાવ્યા મુજબ ગાઝામાં 199 લોકોને બંધક બનાવાયા છે. આ સંખ્યા વધુ પણ હોઈ શકે છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસ શાસિત ગાઝા પટ્ટીમાં લગભગ 23 લાખ લોકો રહે છે, જ્યાં સંપૂર્ણ ઘેરાબંધી કરવામાં આવી છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગૈલેન્ટે સોમવારે કહ્યું કે, ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500