નવા સંસદભવનનાં ઉદ્ઘાટન માટેનું આમંત્રણ દેશનાં તમામ સાંસદો અને અગ્રણી નેતાઓને મોકલવામાં આવ્યું છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ પૂર્વ સ્પીકર અને અધ્યક્ષો, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બંને ગૃહોના સાંસદોનો સમાવેશ થાય છે. આમંત્રણ પત્ર ભૌતિક અને ડિજિટલ બંને સ્વરૂપમાં મોકલવામાં આવ્યો છે. આ સિવાય ભારત સરકારનાં તમામ મંત્રાલયોના સચિવોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ કાર્યક્રમનો બહિષ્કાર કરી શકે છે. નવા સંસદ ભવનનાં ચીફ આર્કિટેક્ટ બિમલ પટેલ અને જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને પણ ઉદઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક અવસર માટે ફિલ્મ સ્ટાર્સ અને સ્પોર્ટ્સપર્સન સહિત કેટલીક અગ્રણી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI), આમ આદમી પાર્ટી (AAP) અને CPIMએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી ન આપવાની જાહેરાત કરી છે. રાજ્યસભામાં TMCનાં નેતા ડેરેક ઓ'બ્રાયન, CPIના જનરલ સેક્રેટરી ડી રાજા અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે તેઓ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાન વિચારો ધરાવતા વિપક્ષી દળો સંયુક્ત રીતે ટૂંક સમયમાં ઉદ્ઘાટન સમારોહના બહિષ્કારની જાહેરાત કરી શકે છે અને રાષ્ટ્રપતિ પાસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની માંગ કરી શકે છે. ઔપચારિક આમંત્રણ મળ્યા બાદ આજે તેમના વતી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500