શેરબજારોમાં તેજીના ચમકારા વચ્ચે ડિસેમ્બરમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) ખોલવા માટે રેકોર્ડ 40.32 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નવેમ્બરના આંકડા કરતાં 31 ટકા અને ગયા વર્ષના ડિસેમ્બર કરતાં લગભગ 73.5 ટકાનો વધારો 2023નાં અંતિમ મહિનામાં જોવા મળ્યો છે. બીજી તરફ ગોલ્ડ ETFમાં વિતેલા વર્ષમાં થયેલું રોકાણ પાંચ ઘણું વધીને રૂપિયા 2923.81 કરોડ પહોંચ્યું હતું. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર વર્તમાન નાણાંકીય વર્ષ 2024માં જુલાઈથી સતત દર મહિને SIP ખોલનારા લોકોની સંખ્યા 30 લાખથી વધુ જ રહી છે. અત્યાર સુધીમાં એપ્રિલ-ડિસેમ્બર 2023નાં સમયગાળા દરમિયાન SIP માટે 2.85 કરોડ નવા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.
આ નાણાંકીય વર્ષ 2023 અને નાણાકીય વર્ષ 2022માં અનુક્રમે રૂ.2.51 કરોડ અને રૂ.2.66 કરોડના આંકડાને વટાવી ગયું છે. SIP બંધ કરનારા લોકોની સંખ્યામાં પણ વધી જયારે બીજી તરફ ડિસેમ્બરમાં બંધ થનારી SIPની સંખ્યામાં પણ વધારો થયો છે. આ કુલ ક્લોઝરમાં કાર્યકાળ પૂર્ણ થયા પછી સમાપ્ત થતી SIPની સંખ્યાનો પણ સમાવેશ થાય છે. ડેટા અનુસાર ડિસેમ્બર 2023માં 20.8 લાખ રોકાણકારોએ SIP બંધ કરી હતી. વર્ષ 2024નાં નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 1.64 કરોડ રોકાણકારોએ તેમની SIP બંધ કરી દીધી છે, જ્યારે 2023માં આ સંખ્યા 1.43 કરોડ અને 2022માં 1.11 કરોડ હતી.
SIP બંધ થવા પાછળનું કારણ શાનદાર વળતર પણ છે. ડિસેમ્બર, 2023 દરમિયાન દેશના કુલ 15 ગોલ્ડ ETFમાં રૂ.88.31 કરોડનું રોકાણ આવ્યું છે. નવેમ્બરમાં આ રકમ 337.37 કરોડ રૂપિયા હતી. સમગ્ર કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન ભારતમાં ગોલ્ડ ETFમાં રૂ.2923.81 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું, 2022ના કેલેન્ડર વર્ષના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડના રોકાણ કરતા 537.29 ટકા વધું છે. કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન 11 ગોલ્ડ ETFમાં કુલ રૂ.458.79 કરોડનું રોકાણ ભારતીયો દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્રિ-માસિક ધોરણે જોઈએ તો ઓક્ટોબર-ડિસેમ્બરમાં સતત ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ ETFમાં નેટ ઈન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું છે. જોકે તેના અગાઉના સતત ત્રણ ક્વાર્ટરમાં ઉપાડ જોવા મળ્યો હતો. ગોલ્ડ ETFમાંથી આઉટફ્લો માત્ર બે મહિના એટલે કે જાન્યુઆરી અને માર્ચ 2023 દરમિયાન નોંધવામાં આવ્યો હતો. જાન્યુઆરી અને માર્ચ દરમિયાન અનુક્રમે રૂ.199.43 કરોડ અને રૂ.266.57 કરોડનો ઉપાડ જોવા મળ્યો હતો, જ્યારે અન્ય 10 મહિનામાં રોકાણ થયું હતું. ઓગસ્ટ દરમિયાન રૂ.1028.06 કરોડનું રોકાણ 17 મહિનામાં સૌથી વધુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500