બાળકોને સ્માર્ટફોન આપ્યા બાદ તેમનું ધ્યાન ન રાખતા પેરન્ટ્સને ખબર પણ નથી હોતી કે આમ કરવું કેટલું ખતરનાક હોઇ શકે છે? બાળક નોર્મલ કન્ટેન્ટ જોતાં જોતાં શોષણનો શિકાર થઇ જાય છે. તાજેતરમાં આવેલા આઇ ગ્લોબલ થ્રેટ એસેસમેન્ટ 2023ના રિપોર્ટના આંકડા અત્યંત ચોંકાવનારા છે. આ રિપોર્ટ મુજબ બાળકોના ઓનલાઇન શોષણમાં ભારે વધારો થઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર બાળકોના શોષણના કન્ટેન્ટમાં પણ 87 ટકા વધારો થયો છે. વીપ્રોટેક્ટ ગ્લોબલ એલાયન્સે તેનો ચોથો ગ્લોબલ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ જારી કર્યો છે, જેનાથી જાણવા મળ્યું છે કે 2019 બાદથી રિપોર્ટ થયેલા બાળકોના જાતીય શોષણના કન્ટેન્ટમાં 87 ટકા વૃદ્ધિ થઇ છે અને વૈશ્વિક સ્તરે બાળકોના જાતીય શોષણના 3.2 કરોડથી પણ વધુ કેસો નોંધાયા છે.
વીપ્રોટેક્ટ ગ્લોબલ એલાયન્સનો રિપોર્ટ જણાવે છે કે બાળકોના શોષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે. 2023ની શરૂઆતથી ગુનેગારો દ્વારા બાળકોના જાતીય શોષણનું કન્ટેન્ટ બનાવવા અને બાળકોનું શોષણ કરવા જનરેટિવ AIના ઉપયોગના કેસો પણ વધી રહ્યા છે.આ રિપોર્ટ 2023માં બાળકો માટે ઓનલાઇન સામે આવનારા જોખમો અંગે મહત્વની માહિતી પૂરી પાડે છે. રિપોર્ટથી એમ પણ જણાયું છે કે 2020થી 2022 દરમિયાન 7થી 10 વર્ષના બાળકોના સ્વનિર્મિત સેક્સ્યુઅલ ઇમેજિનેશનમાં 360 ટકા વૃદ્ધિ થઇ છે.
આ સંશોધનમાં નાણાકીય સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં વૃદ્ધિ જોવા મળી છે. 2021માં બાળકો પાસેથી વસૂલાતના 139 કેસ સામે આવેલા, તેની સામે 2022માં તે 1,00,000 કરતાં વધી ગયા છે. આવી ઘટનાઓમાં ગુનેગારોની પોતાની સેક્સ્યુઅલ તસવીર અને વીડિયો શેર કરવા માટે બાળકોને તૈયાર કરવા, હેરાફેરી કરવી અને પછી પૈસા કમાવા માટે તેમની પાસેથી બળજબરીથી વસૂલાત કરવી સામેલ છે. બળજબરીની વસૂલાત કરનારા લોકો યુવતીઓના રૂપમાં ઓનલાઇન રજૂ થાય છે અને મુખ્ય રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી 15-17 વર્ષની વયના યુવાઓનો સંપર્ક કરે છે. ઘણા કિસ્સામાં આવી ઘટનાઓના કારણે બાળકોએ દુઃખદ રીતે આત્મહત્યા કરી લીધી છે.રિપોર્ટમાં ચોંકાવનારી બાબત એવી પણ સામે આવી છે કે સોશિયલ ગેમિંગ પ્લેટફોર્મ પર બાળકો સાથેની વાતચીત 19 સેકન્ડમાં જ હાઈ રિસ્કવાળી ગ્રૂમિંગ સ્થિતિઓમાં બદલાઈ શકે છે, જ્યારે ગ્રૂમિંગનો સરેરાશ સમય માત્ર 45 મિનિટ છે. સોશિયલ ગેમિંગ માહોલ ઘણો ખતરનાક થઈ રહ્યો છે.
અર્પણ ટુવર્ડ્સ ફરીડમ ફ્રોમ સેક્સ્યુઅલ એબ્યૂઝનાં વરિષ્ઠ નિર્દેશક ડો. મંજીર મુખરજીનું કહેવું છે કે ગ્લોબલ થ્રેટ અસેસમેન્ટ 2023 રિપોર્ટમાં ડિસરપ્ટિંગ હાર્મ અધ્યયન અનુસાર, ઓનલાઇન દુર્વ્યવહારના 60 ટકા કેસમાં ગુનેગાર અને બાળકો એકબીજાના ઓળખીતા હોવાની સંભાવના જોવામાં આવી છે. આ ચોંકાવનારું તથ્ય એ મિથકને તોડે છે કે ઓનલાઇન યૌન શોષણ મુખ્ય રીતે અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવે છે, તેથી પેરેન્ટ્સ ઓળખીતા-પારખીતા લોકો દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન બંને તરફના દુર્વ્યવહાર પર ધ્યાન આપે, કેમ કે ઘણી વાર આ બંને રીતો અલગ અલગ નથી હોતી બલકે, બંને રીતે સામાજિક સ્તરે નિરંતર થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500