Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

  • March 01, 2023 

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત “ડીઝિટ ઓલ : ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી”ની થીમ આધારિત નર્મદા જિલ્લામાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ-રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષપદે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.








આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું કે, મહિલાઓની રાજકીય, સામાજિક, આર્થિક ઉપલબ્ધિઓ સહિત મહિલા સશક્તિકરણ માટે શિક્ષણ પણ અતિમહત્વપૂર્ણ છે. આજે શિક્ષણની તકોને ઝડપીને મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેખભા મિલાવીને વિકાસમાં પોતાની ભાગીદારી નોંધાવી રહી છે. સમાજની દીકરીઓના ઉજ્જવળ ભાવિ માટે સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ અમલી છે, જેના લાભ થકી મહિલાઓ પ્રત્યેક ક્ષેત્રમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા સક્ષમ બની છે.








જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ પણ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સમાજની પ્રત્યેક દીકરીઓની સફળતામાં શિક્ષણને ઉત્તમ માધ્યમ ગણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ નર્મદા જિલ્લાની દીકરીઓ-મહિલાઓ આર્થિક રીતે સામર્થ્યવાન બને, સામાજિક રીતે સુરક્ષિત બને શૈક્ષણિક ક્ષેત્રે સુદ્રઢતાથી આગળ વધે તે માટે સતત અને સઘન પ્રયત્નોથી પરિવાર સહિત સમાજ, રાજ્ય-રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે જરૂરી માર્ગદર્શન આપી દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.








રમતક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓ સહિત નર્મદા જિલ્લાનું ગૌરવ સમી કુમારી માનસીબેન વસાવા (ટ્રેમ્પોલીન જિમ્નાસ્ટિકમાં બ્રોન્ઝ મેડલ) અને કુમારી ફલકબેન વસાવા (ટ્રેમ્પોલીન જિમ્નાસ્ટિકમાં સિલ્વર મેડલ) રાષ્ટ્રીયકક્ષાએ રમતક્ષેત્રે ઝળક્યાં છે. રાષ્ટ્રકક્ષાએ નર્મદા જિલ્લાનું નામ રોશન કરવા બદલ બંને દીકરીઓનું કાર્યક્રમમાં શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ હતી. તદ્ઉપરાંત અનેકવિધ યોજનાકીય લાભાર્થીઓને મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.











અનેકવિધ યોજનાકીય માહિતી અને લાભોથી વાકેફ કરવા સ્ટોલ્સ ઉભા કરાયા “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત મહિલા દિનની ઉજવણી પ્રસંગે ૧૮૧ અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, જિલ્લા રોજગાર વિનિમય કચેરી સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકીય માહિતી અને લાભોથી શાળાની દીકરીઓને જાગૃત કરવા માટે વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા દીકરીઓના વજન-ઉંચાઈ, હિમોગ્લોબિન સહિત પ્રાથમિક તપાસ માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આયોજિત પ્રત્યેક કાર્યક્રમની જેમ ઉક્ત કાર્યક્રમમાં પણ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા સાહિત્ય વિતરણની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News