ડાંગ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તેમજ કિશોરીઓના હેલ્થ ઉપર કામ કરનાર 'ચેતના' સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતેના ડાંગ સ્વરાજ આશ્રમમા, આહવા તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમા આંતરરાષ્ટ્રીય બાળકી દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે આહવા તાલુકા પંચાયત પ્રમુખએ મહિલાઓને સમાજમા સમાનતાનો હક્ક આપવો જરૂરી છે તેમ જણાવ્યુ હતુ.
તેમજ બાળકીઓને શિક્ષિત બનાવવા, વ્યસન મુક્ત બનાવવા, કાયદાકીય જાણકારી આપવા તેમજ કુપોષણ દુર કરવા માટે આહવાન કર્યુ હતુ. આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ નિમિત્તે ચેતના સંસ્થા સાથે જોડાયેલ મહિલાઓએ પોતાના જીવન સંધર્ષો વર્ણવી ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા હતા. સાથે જ સમાજમા બાળલગ્ન અટકાવવા માટે તમાશા કાર્યક્રમ દ્વારા જન જાગૃતિનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકા સદસ્ય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, RCHO, આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, 181 અભયમ પ્રતિનિધી, ચેતના સંસ્થાના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર, તેમજ મહિલા અને બાળ વિકાસના કર્મચારીઓ, આંગણવાડી બહેનો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500