અમદાવાદ જિલ્લાનાં ધંધુકા અને બોટાદ જિલ્લાનાં બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં મોતના આંકડાઓ વધી રહ્યા છે. હાલમાં લઠ્ઠાકાંડથી મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. ત્યારે રાજ્યનાં મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, આ ઘટના ક્રમમાં 22 લોકો બોટાદનાં હતા અને અમદાવાદ ગ્રામ્યનાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે. મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું કે, આ પ્રકરણમાં 13 લોકો સામે ગુનો દાખલ થયો છે.
જોકે આશંકિત લઠ્ઠાકાંડમાં મિથાઈલ આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીની સમકક્ષ જ મિથાઈલ કેમિકલ ઉમેરવામાં આવ્યું હતુ. ભાવનગરનાં બોટાદની આસપાસના ગામોમાં થયેલ આ ગોજારી ઘટનાના તાર અમદાવાદ આવી પહોંચ્યા છે. આ ઘટનાના મૂળમાં ઉતરતા પોલીસે શોધી કાઢ્યું છે કે, અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની આમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ મુખ્ય સૂત્રધાર છે.
જોકે આ જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતુ. જયેશ ઉર્ફે રાજુએ આ 600 લિટર ચોરી કરેલ મિથાઈલ આલ્કોહોલ સંજયને વેચ્યું હતુ. સંજયે આ કેમિકલ વેચવા માટે તેના પિતરાઈ ભાઈ પિન્ટુ ઉર્ફે ફાંટોનો સંપર્ક કર્યો હતો, જે મૂળ બોટાદનો રહેવાસી છે. જયેશે 600માંથી 200 લિટર મિથાઈલ કેમિકલ સંજયને વેચ્યું હતુ અને વધુ 200 લિટર અન્ય એક વ્યકતિને વેચ્યું હતુ, જ્યારે 200 લિટર હજી તેની પાસે જ હતુ. પોલીસે અત્યાર સુધી કુલ 460 લિટર કેમિકલ કબ્જે કર્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500