કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડસ 2023ના ગુરૂવારે જાહેર થયેલાં પરિણામોમાં ઇન્દોર સતત સાતમા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે તો સુરતને પણ ઇન્દોરની સાથે પ્રથમ ક્રમ મળ્યો છે. જ્યારે નવી મુંબઇએ ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે. દેશના સૌથી સ્વચ્છ રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ કેટેગરીમાં પ્રથમ ક્રમ મહારાષ્ટ્ર્ને મળ્યો છે તો બીજા ક્રમે મધ્યપ્રદેશ અને ત્રીજા ક્રમે છત્તીસ ગઢ રહ્યું છે. ગયા વર્ષે મધ્યપ્રદેશ સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર થયું હતું. સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં છેલ્લા ત્રણ શહેરો પશ્ચિમ બંગાળના છે. માધ્યમગ્રામને 444મું સ્થાન, કલ્યાણીને 445મું સ્થાન અને હાવરાને 446મું સ્થાન મળ્યું છે.
રાજ્યોમાં પણ છેલ્લા ત્રણ સ્થાન રાજસ્થાન, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશને મળ્યા છે. એક લાખથી ઓછી વસ્તી ધરાવતાં શહેરોમાં મહારાષ્ટ્રના સાસવડને દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમ મળ્યો છે. બીજા ક્રમે છત્તીસગઢનું પાટણ અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્રનું લોનાવાલા છે. જ્યારે છેલ્લા ક્રમે નાગાલેન્ડનું પુંગરો શહેર છે. 88 સ્વચ્છ ગંગા શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે વારાણસી છે એ પછી પ્રયાગરાજ, બિજનૌર, હરિદ્વાર, કન્નોજ, પટણા, ઋષિકેશ, કાનપુર, રાજમહલ અને શાહીગંજ છે.આ યાદીમાં છેલ્લું સ્થાન છપરાંને મળ્યું છે. સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડઝમાં મધ્યપ્રદેશ પ્રથમ સ્થાને છે એ પછી દેવલાલી અને અમદાવાદનું સ્થાન છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિજેતાઓને એવોર્ડસ વિતરિત કર્યા હતા અને આ સમારોહમાં કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ પુરી હાજર રહ્યા હતા.રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારતની એક તૃતિયાંશ વસ્તી શહેરોમાં વસે છે અને શહેરોની સ્વચ્છતા તેમના આરોગ્ય અને વિકાસ માટે આવશ્યક છે. દેશના એક લાખ કરતાં વધારે વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે ઇન્દોર અને સુરત રહ્યા હતા.
આ યાદીમાં નવી મુંબઇ, ગ્રેટર વિશાખાપટ્ટનમ, ભોપાળ, વિજયવાડા, નવી દિલ્હી, તિરૂપતિ, ગ્રેટર હૈદરાબાદ અને પૂણેનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી સ્વચ્છ રાજ્યોમાં ચોથા ક્રમે ઓડિશા અને તે પછી તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, સિકિક્મ, કર્ણાટક, ગોવા, હરિયાણા અને બિહારનો ક્રમ આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ 2023માં કુલ 4477 શહેરી સ્થાનિક તંત્રોએ ભાગ લીધો હતો અને બાર કરોડ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. આ સર્વેમાં 92,720 મ્યુનિસિપલ વોર્ડસ, 61 કેન્ટોનમેન્ટ બોર્ડઝ, 88 ગંગા શહેરો અને 18,980 કમર્શિયલ એરિયાઓએ ભાગ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500