થાઈલેન્ડમાં ગતરોજ એક પૂર્વ પોલીસ અધિકારી પાન્યા ખામરાપે કત્લેઆમ કરી હતી. હુમલાખોરે પહેલાં થાઈલેન્ડની એક ડે કેર સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 24થી વધુ બાળકો સાથે 34 લોકોનાં મોત થયા હતા અને 22થી વધુને ઈજા પહોંચી છે. ત્યાર પછી ત્યાંથી તે પોતાના ઘરે પાછો ફર્યો. અહીં તેણે પત્ની અને બાળકને ગોળી મારી દીધી ત્યાર પછી તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
થાઈલેન્ડના નોંગ બુઆ લામ્ફુમાં આ માસ શુટિંગ એવા સમયે થયું હતું જ્યારે દેશવાસીઓ 46 વર્ષ અગાઉ થયેલા એક માસ શૂટિંગની વરસી મનાવી રહ્યા હતા. તે સમયે પણ માસ શૂટિંગમાં 40 વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતા. પોલીસે જણાવ્યું કે, નોન્ગબુઆ લામ્ફુ શહેરમાં પૂર્વ પોલીસ અધિકારી ખામરાપે એક નર્સરીમાં બાળકો અને વયસ્કો પર આડેધડ ગોળીબાર કર્યો હતો અને ચાકુથી હુમલો કર્યો હતો.
જયારે આ ઘટના નજરે જોનારાઓએ કહ્યું કે, એક હેન્ડગન સાથે શકમંદને નર્સરી તરફ આવતો જોતાં તેમણે સ્કૂલનો દરવાજો બંધ કરી દીધો હતો. પરંતુ ખામરોપે તેની આરપાર ગોળીબાર કર્યો હતો. તેણે એક હેન્ડગન, એક શોટગન, એક ચાકુ સહિતનાં હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલાખોરે સ્કૂલમાં ગોળીબાર કર્યા પછી પત્ની અને બાળકની પણ હત્યા કરી દીધી હતી. હુમલાનો આશય હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી.
નેશનલ પોલીસના પ્રવક્તા અચયો ક્રેથોંગે કહ્યું કે, આ ઘટના નોંગ બુઆ લામ્ફુ પ્રાંતની છે. આ સામૂહિક હત્યાકાંડમાં ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા છે. આ ઘટનાથી થાઈલેન્ડમાં હાહાકાર મચી ગયો છે. ચાઈલ્ડ ડે કેર સેન્ટરમાં ચારે બાજુ લાશો જ જોવા મળી રહી હતી. સ્કૂલમાં માર્યા ગયેલા 36 લોકોમાં 24 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે.
મીડિયા અહેવાલ મુજબ, 34 વર્ષીય પોલીસ લેફ્ટનન્ટ પાન્યા ખામરાપે સ્કૂલ પર હુમલો કર્યો હતો. તે નજીકના પોલીસ સ્ટેશનમાં જ તૈનાત હતો. તે ડ્રગ એડિક્ટ હોવાથી થોડાક સમય પહેલાં જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ખામરાપે ડે કેર સેન્ટરમાં ગોળીબાર કર્યો ત્યારે બાળકો સૂઈ ગયા હતા. ડેપ્યુટી નેશનલ પોલીસ ચીફ પોલ એલટી જનરલ તોરસાક સુખવિમોલે કહ્યું કે આ હુમલામાં 22 લોકોને ઈજા પહોંચી છે, જેમાં આઠની હાલત ગંભીર છે.
ખામરાબે આ હુમલો એવા સમયે કર્યો હતો જ્યારે સમગ્ર થાઈલેન્ડ 46 વર્ષ પહેલાં થયેલા માસ શૂટિંગમાં માર્યા ગયેલા 40 વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલી આપી રહ્યો હતો. થાઈલેન્ડમાં 1976માં આજના જ દિવસે બેંગકોકની થામાસેટ યુનિવર્સિટીમાં નરસંહાર થયો હતો, જેમાં 40 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ 1973માં થાઈલેન્ડમાં તાનાશાહ થાનોમ કિત્તિકાચોર્નને સત્તા પરથી હટાવી દેવાયા હતા.
પરંતુ સપ્ટેમ્બર ૧૯૭૬માં તેમણે ફરી સત્તા કબજે કરી હતી. થાનોમના પુનરાગમનના વિરોધમાં થામાસેટ યુનિવર્સિટીમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યા હતા ત્યારે જ યુનિવર્સિટી પરિસરમાં એક બોમ્બ ફેંકવામાં આવે છે અને પછી ગોળીબાર શરૂ થાય છે. ગોળીબાર વચ્ચે પોલીસ અને દક્ષિણપંથી કટ્ટરવાદી જૂથના લોકો યુનિવર્સિટી કેમ્પસનો દરવાજો તોડીને અંદર ઘૂસી આવે છે. ત્યાર પછી કત્લેઆમ શરૂ થાય છે, જેમાં 40 વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારી દેવાય છે.
થાઈલેન્ડમાં અઢી વર્ષ પહેલાં ફેબ્રુઆરી 2020માં પણ માસ શૂટિંગની ઘટના થઈ હતી. ત્યારે 8મી અને 9મી ફેબ્રુઆરીએ સૈન્યના એક જવાને ગોળીબાર કરી 29 લોકોને મારી નાંખ્યા હતા. જકરાપંથ થોમ્મા 8મી ફેબ્રુઆરી 2020ના રોજ કર્નલ અનંથારોટ ક્રાસેના ઘરે સંપત્તિ વિવાદની ચર્ચા કરવા પહોંચ્યો હતો. ત્યાં તેણે કર્નલની બંદૂક આંચકી લીધી અને ગોળી મારી તેમની હત્યા કરી હતી. પાછળથી કર્નલની સાસુની પણ હત્યા કરીને જતો રહ્યો હતો.
જકરાપંથ ત્યાંથી એક મોલમાં ગયો હતો, જ્યાં તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. તેણે અહીં અનેક લોકોને બંધક પણ બનાવ્યા હતા. પોલીસે મોલને ઘેરી લીધો અને થોમ્માને સરન્ડર કરવા કહ્યું, પરંતુ તેણે ગોળીબાર શરૂ કરી દીધો. અંતે 9મી ફેબ્રુઆરીએ એન્કાઉન્ટરમાં થોમ્મા માર્યો ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500