જાણીતા ભારતીય અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું બુધવારનાં રોજ 66 વર્ષની વયે નિધન થયું છે. જયારે આ સમાચાર અનુપમ ખેરે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેમના મિત્ર સતીશ કૌશિકનાં મૃત્યુની માહિતી આપી હતી. તેમણે કૌશિકનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપતા અનુપમ ખેરે ટ્વિટ કર્યું કે હું જાણું છું કે, મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે! પરંતુ મેં ક્યારેય મારા સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતો હોઈશ ત્યારે મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ! ઓમ શાંતિ!
સતીશ કૌશિક મુંબઈનાં જુહુ ખાતે જાનકી કુટિરમાં હોળી પાર્ટીમાં હાજર રહ્યા હતા અને તેમણે જાવેદ અખ્તર, અલી ફઝલ, રિચા ચઢ્ઢા તથા અન્યો સાથે હોળી મનાવી હતી. તારીખ 7 માર્ચ મંગળવારના રોજ તેમણે આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે તેમની છેલ્લી ટ્વિટ બની ગઈ. હરિયાણાનાં મહેન્દ્રગઢમાં તારીખ 13 એપ્રિલ, 1956નાં રોજ જન્મેલા સતીશ કૌશિકે 1983માં આવેલી ફિલ્મ ‘જાને ભી દો યારોં’થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 1993માં ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’થી તેણે ફિલ્મ નિર્દેશનની દુનિયામાં પગ મૂક્યો અને લગભગ દોઢ ડઝન ફિલ્મોનું નિર્દેશન કર્યું. સતીશ કૌશિકે દરેક જોનરમાં કામ કર્યું, પરંતુ તેમની કોમેડીમાં કોઈ બ્રેક નહોતો.
સતીશ કૌશિકે તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીના કરોલ બાગથી કર્યું હતું. આ પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીની કોરેમલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. પછી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. વર્ષ-1978માં અહીંયા છોડ્યા પછી, તેમણે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો. તેમણે વર્ષ 1987માં ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ફિલ્મ અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, 1997માં, તેમણે દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરના પાત્રમાં તેના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું. આ સિવાય સતીશ કૌશિકને વર્ષ 1990માં ફિલ્મ રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500