સિરાજે ઝંઝાવાતી બોલિંગને સહારે એક જ ઓવરમાં ચાર વિકેટ ઝડપીને સનસનાટી મચાવવાની સાથે કુલ 21 રનમાં 6 બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા હતા. આ સાથે ભારતે એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને માત્ર 50 રનમાં સમેટી લીધા બાદ 10 વિકેટથી આસાન જીત હાંસલ કરી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ વર્ષમાં પહેલીવાર બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતવાની સિદ્ધિ હાંસલ કરવાની સાથે રેકોર્ડ આઠમી વખત એશિયા કપ જીતી લીધો હતો. શ્રીલંકા માત્ર 15.2 ઓવરમાં 50 રનમાં જ હારી ગયું હતુ. જવાબમાં ભારતે માત્ર 6.1 ઓવરમાં જ વિના વિકેટે 51 રન કરતાં એશિયા કપ જીતી લીધો હતો.
વન ડે મેચમાં માત્ર 21.3 ઓવરમાં જ પરિણામ આવી ગયું હતુ. સિરાજને પ્લેયર ઓફ ધ મેચ અને કુલદીપને 9 વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. વર્લ્ડકપને આડે હવે ત્રણ સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ટીમ ઈન્ડિયાએ પાંચ વર્ષમાં પહેલીવાર મલ્ટી-નેશન ટુર્નામેન્ટ જીતી વિશ્વવિજયનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. ભારત આ અગાઉ 2018માં જે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીત્યું તે એશિયા કપ જ હતો, જે પણ રોહિતની આગેવાનીમાં જ ટીમ ઈન્ડિયાએ જીત્યો હતો. વરસાદના કારણે વિલંબથી શરૂ થયેલી વન ડેમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.
બુમરાહે પહેલી જ ઓવરમાં પરેરાની વિકેટ ઝડપી હતી. જે પછી સિરાજે તેની બીજી અને ઈનિંગની ચોથી ઓવરમાં નિસાંકા, સમરવિક્રમા, અસાલાન્કા અને ધનંજયાની વિકેટ ઝડપતાં શ્રીલંકા 8/1થી 12/5 પર ફસડાયું હતુ. તેણે શનાકાની પણ વિકેટ ઝડપતાં માત્ર 16 જ બોલમાં પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી અને 12/6 પર ફસડાયેલી શ્રીલંકાની હાર નિશ્ચિત બની ગઈ હતી. મેન્ડિસે (17) અને હેમંથાએ (13*)એ સ્કોરને 50 સુધી પહોંચાડયો હતો. સિરાજનો સાથ આપતાં હાર્દિકે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ગીલ (27*) અને કિશન (23*)ની જોડીએ માત્ર 6.1 ઓવરમાં જ વિના વિકેટે 51 રન કરતા ભારતને 43.5 ઓવર બાકી હતી, ત્યારે 10 વિકેટથી પ્રભુત્વસભર જીત અપાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500