પેરિસથી રમતજગતને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી ગઈ છે. 20 વર્ષ બાદ ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી હતી. અને એટલું જ નહીં તેણે મેડલ પણ જીત્યો હતો. અગાઉ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં સુમા શીરૂરે ફાઇનલ સુધીની સફર ખેડી હતી. મનુ ભાકરે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો.
મનુએ આઠ શૂટર્સની ફાઇનલમાં 221.7 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દક્ષિણ કોરિયાની યેજી કિમ કરતાં તે માત્ર 0.1 પોઈન્ટ પાછળ હતી, જેણે આખરે 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કિમના જ દેશની યે જિન ઓહે 243.2 પોઈન્ટના ઓલિમ્પિક રેકોર્ડ ફાઈનલ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. લંડન ઓલિમ્પિક 2012 પછી શૂટિંગમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે.
રિયો ઓલિમ્પિક 2016 અને ટોક્યો ઓલિમ્પિકમાંથી ભારતીય શૂટર્સ ખાલી હાથે પરત ફર્યા હતા અને મેડલ જીતી શક્યા નહોતા. શૂટર મનુ ભાકર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર છે. તેણે મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે બહારની વસ્તુઓ તમે કંટ્રોલ નથી કરી શકતા. હું ભગવદ્ ગીતામાંથી આ શીખી છું. ભગવાન અર્જુનને કહે છે કે તમે તમારા કર્મ પર ધ્યાન આપો અને ફળ પર ધ્યાન ન આપો. મેં એને જ અનુસરવાનો પ્રયાસ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500