Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આર્થિક કૌભાંડો કરનાર વિજય માલ્યા અને નીરવ મોદીને પાછા લાવવા માટે ભારતે દબાણ કર્યું

  • November 20, 2024 

ભારતમાં આર્થિક કૌભાંડો કરીને ભાગી છૂટેલ ભાગેડૂ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા અને નીરવ મોદીને પાછા લાવવા માટે ભારતે દબાણ કર્યું છે. જી-૨૦ શિખર મંત્રણા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના પીએમ કેર સ્ટાર્મર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી, જેમાં બંને દેશ વચ્ચે ટૂંક સમયમાં એફટીએ વાટાઘાટો શરૂ કરવા પર ચર્ચા થઈ હતી. આ સાથે પીએમ મોદીએ બ્રિટિશ પીએમ સાથે ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણ અંગે પણ ચર્ચા કરી હતી. બ્રાઝિલમાં જી-૨૦ શિખર સંમેલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પછી બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે કહ્યું કે, આગામી વર્ષે ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) પર વાટાઘાટો ફરીથી શરૂ કરવામાં આવશે. આ બેઠક પછી ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે, બ્રિટન ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારી બનાવવાનો પ્રયત્ન કરશે, જેમાં વેપાર સમજૂતી, સુરક્ષા, શિક્ષણ, ટેક્નોલોજી અને ક્લાઈમેટ ચેન્જ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો સમાવેશ થાય છે. સ્ટાર્મરના પ્રવક્તાએ કહ્યું કે, ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે. તેથી બ્રિટન ભારત સાથે એફટીએ પર વાતચીત કરવા કટિબદ્ધ છે.


ભારત સાથે આ કરારથી બ્રિટનમાં રોજગાર અને સમૃદ્ધિ વધશે અને દેશના વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થશે. દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સ્ટાર્મર સાથેની બેઠકને ખૂબ જ ઉત્પાદક ગણાવી હતી અને સોશિયલ મીડિયા પર લખ્યું, ભારત માટે બ્રિટન સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. અમે ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, સુરક્ષા, ઈનોવેશન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહયોગ કરવા માટે આતુર છીએ. જોકે, આ બેઠકમાં ભારતે આર્થિક ગુનાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ ઉકેલવા પર પણ ભાર મૂક્યો. જોકે, પીએમ મોદી કે ભારતીય વિદેશ મંત્રાલયે કોઈ ગૂનેગારનું નામ નહોતું લીધું, પરંતુ તેઓ વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણની માગ કરી રહ્યા હતા તે સ્પષ્ટ છે. આ બેઠકમાં પીએમ મોદીએ બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં બે નવા મહાવાણિજ્ય દૂતાવાસોની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.


વિજય માલ્યા કિંગફિશર એરલાઈન્સ સાથે સંકળાયેલા રૂ. ૯,૦૦૦ કરોડથી વધુનું દેવું નહીં ચૂકવવાના કેસમાં વોન્ટેડ છે. તે વર્ષ ૨૦૧૬થી ભારતથી ભાગીને બ્રિટન પહોંચ્યા હતા. બીજીબાજુ નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં રૂ. ૧૩,૦૦૦ કરોડની છેતરપિંડીનો આરોપ છે. નીરવ મોદી પણ પાંચ વર્ષથી બ્રિટનમાં છે. આ સિવાય જી-૨૦ શિખર મંત્રણા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં, ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંટો, નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર અને પોર્ટુગલના વડાપ્રધાન લુઈસ મોન્ટેનેગ્રો સાથે પણ મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ફ્રાન્સના પ્રમુખ મૈક્રોં સાથે ડિજિટલ ટેક્નોલોજી અને એઆઈના ક્ષેત્રો સહિત વેપાર, રોકાણ અને ઔદ્યોગિક સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ મંગળવારે બ્રાઝિલના પ્રમુખ ઈનાસિયો લુલા ડા'સિલ્વા સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં ઊર્જા, જૈવ ઈંધણ, સંરક્ષણ, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ભૂખ અને ગરીબી વિરુદ્ધ વૈશ્વિક સંગઠન સંબંધે બ્રાઝિલની પહેલને ભારતના પૂર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application