ભારત બ્રહ્મોસ મિસાઈલનાં આગામી સંરક્ષણ પર રશિયા સાથે મળીને કામ કરવા જઈ રહ્યું છે જે અવાજની ઝડપ કરતા પણ 5 ગણી વધુ ઝડપે દુશ્મન પર હુમલો કરી શકે છે. આ મિસાઈલો પર કામ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના રશિયન સમકક્ષ વચ્ચે તાજેતરની બેઠકમાં સહમતી થઈ છે. હાઈપરસોનિક મિસાઈલોને બનાવવામાં રશિયા વિશ્વનો સૌથી અગ્રણી દેશ છે અને તે અમેરિકા કરતા પણ ઘણો આગળ છે.
ભારતે રશિયા પાસેથી જ બ્રહ્મોસ મિસાઈલ મેળવી છે. હવે તેના આગામી સંરક્ષણ પર કામ કરીને હાઈપરસોનિક વર્ઝન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિસાઈલો મળવાથી ભારતની શક્તિમાં મોટો વધારો થશે અને તે પાકિસ્તાન જેવા દુશ્મન દેશવી અંદર લાંબા અંતર સુધી મારવામાં સક્ષમ બનશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી હાઈપરસોનિક વેપન સિસ્ટમની ચર્ચા વધી છે. જેનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
રશિયાએ આ યુદ્ધમાં જિરકૉન નામની હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. તે ભારત સાથે મળીને જે મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે તેની પણ એટલી જ તાકાત હશે. ગત વર્ષે જ બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ અતુલ રાણેએ કહ્યું હતું કે તેમની તાકાત રશિયાની જિરકૉન મિસાઈલ જેવી જ હશે. હાઈપરસોનિક હથિયારોની વિશેષતા એ છે કે, તે સરળતાથી પોતાનો માર્ગ બદલી શકે છે અને દુશ્મનનાં વિસ્તારમાં લાંબા અંતર સુધી ઝડપથી પ્રહાર કરવામાં સક્ષમ હોય છે. તેમની ગતિ પણ અવાજ કરતા પણ 5 ગણી વધું હોય છે.
રશિયાની સાથે મળીને ભારત જે મિસાઈલો પર કામ કરવાનું છે તે સમુદ્ર, હવા અને જમીન ગમે ત્યાંથી મારવામાં સક્ષમ હશે એટલે તેનો ફાયદો દેશની ત્રણેય સેનાઓને મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રિજીમનું પણ સભ્ય છે. આવી સ્થિતિમાં તે મિસાઈલ તૈયાર કરી શકે છે પરંતુ તેને અન્ય કોઈ દેશમાં નિકાસ કરી શકતો નથી. આ મુજબ ભારત 300 કિલોમીટરની રેન્જ ધરાવતી મિસાઈલોને તૈયાર કરી શકે છે. જે 500 કિલોગ્રામ સુધીનું વજન લઈ જવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તેની નિકાસ કરી શકાતી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500