ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર પેટ્રોલિંગ કરવા મામલે સમજૂતી કરાર થયો છે. આ કરાર દેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં પેટ્રોલિંગ સંબંધિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંને સરહદ પર પેટ્રોલિંગ શરૂ થઈ ચૂકી છે અને ટૂંકસમયમાં બંને દેશ પોતાના સૈનિકોને પાછા ખેંચી લેશે. જે વર્ષોથી તણાવમાં રહેલી લદાખ સરહદ વિવાદ ઘટવાની અપેક્ષા દર્શાવે છે. એલએસી પરથી સૈન્ય દળોને પાછા ખેંચી લેવાના આ સમજૂતી કરારને મિલિટ્રી ટર્મમાં ડિસઈન્ગેજમેન્ટ કહે છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે, બંને દેશો વચ્ચે પેટ્રોલિંગની વ્યવસ્થા અંગે સમજૂતી કરવામાં આવી છે. જે 2020માં પૂર્વીય લદાખમાં સર્જાયેલા તણાવમાં ઘટાડો કરશે. જયારે આવતીકાલે 22થી 24 ઓક્ટોબરે યોજાનારા 16માં બ્રિક્સ શિખર સંમેલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ પહેલાં જ આ કરાર કરવામાં આવ્યા છે. આ શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો થવાની છે. આ મામલે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સપ્તાહથી ભારત અને ચીન વચ્ચે રાજકીય અને સૈન્ય મામલે ચર્ચા વિચારણા થઈ રહી છે.
વિવાદ અને તણાવ ઘટાડવાના હેતુ સાથે ચીન સાથે એલએસી મુદ્દે અમે સમજૂતી કરાર કર્યો છે. પૂર્વ લદાખ સ્થિત ગલવાન ખીણમાં વર્ષ 2020માં 15-16 જૂનના ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. અને બમણી સંખ્યામાં ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પોતાના શહીદ સૈનિકોના આંકડાની સત્તાવાર જાહેરાત કરી ન હતી. આ ઘટના બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500