હાલ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભિષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલી સેનાના અધિકારીના જણાવ્યા મુજબ, ગાજા અને દક્ષિણ ઈઝરાયેલમાં હમાસ સાથેના ઘર્ષણમાં સેંકડો આતંકવાદીઓ ઠાર થયા છે અને ઘણાને બંધક બનાવાયા છે. હાલ ઈઝરાયેલ દક્ષિણમાં આતંકવાદીઓ સાથે લડી રહ્યું છે. આતંકીઓએ ગાજામાં હવાઈ હુમલા કરી ઘણી ઈમારતો ધ્વસ્ત કરી દીધી છે. તો ઈઝરાયેલે આ હુમલાને યુદ્ધ હોવાનું કહી હમાસને ચેતવણી આપી છે કે, તેણે ભારે કિંમત ચુકાવવી પડશે. તો ભારતે પણ ઈઝરાયેલમાં વસતા ભારતીયો માટે એડવાઈઝરી બહાર પાડી છે. ઉપરાંત એર ઈન્ડિયાએ પણ તેની તમામ ફ્લાઈટો રદ કરી દીધી છે. એટલું જ નહીં ભારત અને ઈઝરાયેલ વચ્ચે આર્થિક અને વાણિજ્યિક સંબંધો પણ ખુબ મજબુત છે અને બંને દેશો વચ્ચેનો વેપાર પણ ખુલ ફેલાયેલો છે. દેશના દિગ્ગજ બિઝનેસમોનોએ પણ ઈઝરાયેલમાં મોટું રોકાણ કરેલું છે. ઈઝરાયેલમાં મોટી સંખ્યમાં ભારતીય નાગરિકો રહે છે. છેલ્લા ઘણા વર્ષોથી બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બનતી જઈ રહી છે ઉપરાંત વેપારની આયાત-નિકાસ પણ ખુબ વધી રહી છે.
આ વર્ષે ઈઝરાયેલના રાજદુતે જણાવ્યું હતું કે, ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે વેપાર અગાઉ 5 બિલિયન ડૉલર હતો, જે વધીને 7.5 બિલિયન ડૉલર એટલે કે 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો થઈ રહ્યો છે. પોર્ટ, શિપિંગ સહિત ઘણા સેક્ટરોમાં બંને દેશો વચ્ચેનો વેપાર ઘણી રીતે મહત્વપૂર્ણ છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે પોર્ટ શિપિંગ ઉપરાંત હીરાનો પણ વેપાર થાય છે. બંને દેશો વચ્ચેના કુલ વેપારમાં સૌથી વધુ હીરાનો વેપાર થાય છે. જયારે બંને દેશો વચ્ચે વર્ષ 1990 સુધી વાર્ષિક 20 કરોડ ડૉલરનો વેપાર થયો હતો, જે વધીને હવે અબજો ડૉલર સુધી પહોંચી ગયો છે, જેમાં હીરાનો દ્વિપક્ષીય વેપારનો હિસ્સો લગભગ 50 ટકા છે. ભારત એશિયામાં ઇઝરાયેલનું બીજા ક્રમનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને વૈશ્વિક સ્તરે 7મું સૌથી મોટું છે. બંને દેશો વચ્ચે મુખ્યત્વે હીરા, પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસાયણોની આયાત-નિકાસ સૌથી વધુ થાય છે.
જાન્યુઆરી 2018માં ઇઝરાયેલના વડાપ્રધાને ભારતની મુલાકાત દરમિયાન બંને દેશોએ સાયબર સુરક્ષા, તેલ અને ગેસ, સૌર ઉર્જા, અવકાશ વિજ્ઞાન, હવાઈ પરિવહન, દવાઓ અને ફિલ્મ નિર્માણ સહિત વિવિધ ક્ષેત્રોમાં 9 કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તો તાજેતરન વર્ષોમાં જ ઈલેક્ટ્રોનિક મશીનરી અને હાઈ-ટેક ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વેપારમાં વધારો જોવા મળ્યો છે. તો ઈઝરાયેલના તેલ અવીવમાં 2007માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ શાખા પણ ખોલેલી છે. ભારતથી ઇઝરાયેલમાં થતી મુખ્ય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, ઓટોમોટિવ ડીઝલ, રાસાયણિક અને ખનિજ ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ અને એપેરલ ઉત્પાદનો, બેઝ મેટલ્સ અને પરિવહન સાધનો, કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
ઇઝરાયેલથી ભારતમાં થતી મુખ્ય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, રાસાયણિક અને ખનિજ/ખાતર ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પેટ્રોલિયમ તેલ, સંરક્ષણ, મશીનરી અને પરિવહન સાધનોનો સમાવેશ થાય છે. એપ્રિલ 2000-માર્ચ 2023 દરમિયાન ભારતમાં ઇઝરાયેલનું સીધું FDI 284.96 મિલિયન યુએસ ડોલર હતું. ભારતમાં ઇઝરાયેલ તરફથી 300થી વધુ રોકાણો મુખ્યત્વે હાઇ-ટેક ડોમેન, કૃષિ સહિતના સેક્ટરોમાં છે. ઇઝરાયેલી કંપનીઓની પસંદગી ભારતમાં કૃષિ, રસાયણો સેક્ટરો ઉપરાંત રિન્યુએબલ એનર્જી, વોટર ટેક્નોલોજી, હોમલેન્ડ સિક્યુરિટી અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પણ વધી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500