ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. શનિવારે સેક્ટર-13ના છપરાં વિસ્તારમાં રહેતા પરિવારની 10 મહિનાની બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા જેના સેમ્પલ ગાંધીનગર સિવિલથી મોકલવામાં આવ્યા હતા અને તેણીને સઘન સારવાર આપવામાં આવી રહી હતી તે દરમ્યાન બાળકીએ દમ તોડયો છે. તો દહેગામના લવાડમાંથી નવ વર્ષના બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેના પગલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તથા છુપડપટ્ટી અને છાપરામાં રહેતા શ્રમજીવી પરિવારોમાં ફફડાટ ફેલાયો છે.
સેન્ડ ફ્લાયથી ફેલાતા આ ચાંદીપુરા વાયરસ સામાન્યરીતે 14 વર્ષ સુધીના બાળકોને જ થાય છે ત્યારે બાળકોને માખી મચ્છરો કરડે નહીં તેની ખાસ કાળજી લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં સેક્ટર-13ના છાપરાં વિસ્તારમાં રહેતા પરિવારાની 10 માસની બાળકીને ઝાડા ઉલ્ટી અને તાવ સહિતની તકલીફને પગલે તેણીને ગાંધીનગર સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. આ બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો હોવાથી તેણીના જરૂરી સેમ્પલ લઇને પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા તેવી સ્થિતિમાં રવિવારે આ બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
હજુ ટેસ્ટનો રિપોર્ટ આવ્યો નથી તે પહેલા બાળકીનું મોત થઇ ગયું છે. તો બીજીબાજુ દહેગામ તાલુકાના લવાડ ગામમાં રહેતા પરિવારનો નવ વર્ષના બાળકને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા તેને ગાંધીનગર સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. એટલુ જ નહીં, અઠવાડિયા પહેલા પાનસર ગામમાંથી શંકાસ્પદ લક્ષણો ધરાવતી બે વર્ષની બાળકી કે જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી તેણીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે એટલે તેને ચાંદીપુરા નહીં હોવાનું ખુલ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500