Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર થયેલ મોનિટરી પોલિસીનાં વ્યાજદરમાં 50 બેઝિસ પોઈન્ટ્સનો વધારો

  • September 30, 2022 

ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ હવે ભારતની સેન્ટ્રલ બેંક પણ આકરા પાણીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે જાહેર થયેલ મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં 50 bps (50 બેઝિસ પોઈન્ટ્સ)નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ RBIનાં બેન્ચમાર્ક વ્યાજ દર 5.9 ટકા થયા છે. RBI MPCનાં 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદરમાં 0.50 ટકાનો વધારવાનો મત આપ્યો હતો. આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ RBIએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું છે.




જયારે ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતનાં વ્યાજનાં દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેન્કને વ્યાજના દર વધારવા ફરજ પડી છે. મે 2020થી મે 2022 વચ્ચે રિઝર્વ બેંકનાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. બેન્કો જ્યારે નાણાંની જરૂર પડે અને રિઝર્વ બેંક પાસેથી તે મેળવે ત્યારે જે વ્યાજ દર ચૂકવે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ આ બે વર્ષ 4 ટકા રહ્યો હતો.




જોકે, વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેન્કોએ વ્યાજ દર વધારવાનું શરૂ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે મધ્યકાલીન સમીક્ષા પહેલા જ રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા શરૂ કર્યા હતાં. આજની બેઠક પહેલા રેપો રેટ વધી 5.4 ટકા થઈ ગયો હતો. રેપો રેટ વધતા બેન્કોની નાણાં મેળવવાની શકિત ઘટે છે અને નાણાં મોંઘા થાય છે. એની અસરથી ધિરાણ દરમાં વધારો થાય છે. સતત વધી રહેલા વ્યાજના દરથી હવે લોન ઉપર ગ્રાહકોએ વધારે વ્યાજ ચૂકવવું પડે છે.




રિઝર્વ બેન્ક માટે હાલમાં સૌથી મોટી ચિંતા રૂપિયામાં થઈ રહેલો ઘસારો છે. રૂપિયામાં ઘસારાની સીધી અસર આયાત બિલ પર પડી રહી છે. ફોરેકસ રિઝર્વમાં ઘટાડાથી મની માર્કેટમાં દરમિયાનગિરી કરવાની રિઝર્વ બેન્કની ક્ષમતા ઓછી થઈ રહી છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.  ક્રુડ તેલના ભાવ જે જુનમાં પ્રતિ બેરલ 120 ડોલરથી વધુ હતા તે હાલમાં ઘટીને 80 ડોલરની અંદર ચાલી ગયા છે, જે RBI માટે રાહતની વાત છે. ફોરેકસ રિઝર્વ તેની 642 અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી 100 અબજ ડોલર જેટલું ઘટી 545 અબજ ડોલર આવી ગયું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ડોલર સામે દસ ટકા જેટલો ઘટી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application