Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રનાં જાલનામાં આવકવેરા વિભાગની ટીમનાં દરોડા : રૂપિયા 390 કરોડની બિનહિસાબી સંપત્તિ જપ્ત

  • August 12, 2022 

મહારાષ્ટ્રનાં જાલનામાં આવકવેરા વિભાગની ટીમોએ સ્ટીલ કંપનીઓ, એક કો ઓપરેટિવ બેન્ક સાથે સંકળાયેલા પદાધિકારીઓ તથા અન્ય વ્યવસાયીઓને ત્યાં પાડેલા દરોડામાં 390 કરોડની બિનહિસાબી સંપત્તિ મળતાં ખુદ આવકવેરાની ટીમો પણ ચોંકી ગઈ હતી. જાલના જેવાં પ્રમાણમાં નાના સેન્ટરમાં આટલી મોટી સંપત્તિ ઝડપાવાની તેમણે પણ ધારણા રાખી ન હતી. આવકવેરા ટીમને 50-500 રૂપિયાની નોટોની થપ્પીઓ સ્વરુપે 58 કરોડ તો રોકડા મળ્યા હતા. આ રોકડ ગણવા માટે નજીકની બેન્કમાં જઈ મર્યાદિત કાઉન્ટિંગ મશીનો સાથે ગણતરીમા 13 કલાક લાગ્યા હતા.




આ ઉપરાંત 32 કિલો સોનું તથા અન્ય સંપત્તિઓની ભાળ મળી હતી. આ દરોડામાં રોકડના ડુંગરના ફોટા તથા વીડિયો વાયરલ થતાં દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. દરોડાની કોઈને ગંધ ના આવે એ માટે આવકવેરા  ટીમો 'રાહુલ વેડ્સ અંજલિ' તથા 'દુલ્હન હમ લેં જાયેંગે'ના સ્ટીકર લગાડેલી  કારમાં દરોડા માટે પહોંચી હતી.




જોકે, સ્થાનિક વિસ્તારમાં ચોમાસાંમાં કોઈ લગ્ન થતાં નથી તેવા સમયે આટલી બધી કારો ઉતરી પડતાં લોકોને થોડી વહેમ તો ગયો હતો. દરોડાની કાર્યવાહી તા.1 થી 8 ઓગસ્ટ વચ્ચે હાથ ધરાઈ હતી. કેન્દ્ર અને રાજ્યના જીએસટી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી  માહિતી બાદ ઈન્કમ ટેક્સ વિભાગે  કાર્યવાહી   કરી હોવાનું  કહેવાય છે સ્ટીલ ફેકટરી અને ભંગારના  ડીલરોએ  જીએસટીની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હોવાની માહિતી જીએસટીના ઓફિસરે આવકવેરા વિભાગને આપી હતી.




ત્યારબાદ આઈટી ટીમે જાલના અને ઔરંગાબાદમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં મુંબઈ ઉપરાંત પુણે, નાશિક, પુણે  તથા ઔરંગાબાદ સહિતનાં શહેરોની આઈટી કચેરીઓનાં 400 જેટલા અધિકારીઓનો કાફલો પાંચ ટીમો બનાવીને ત્રાટક્યો હતો. 260 અધિકારી, કર્મચારી 120 વાહનોનાં કાફલામાં આવ્યા હતા. બિઝ નેસમેનનાં ઘર-ઓફિસ, ફેક્ટરીઓ, એક સહકારી બેંક તથા અન્ય સ્થળોએ છાપો મારવામાં આવ્યો હતો. બિઝનેસમેનનાં ઘર, ઓફિસ, કારખાનામાં છાપા દરમિયાન ઈન્કમ ટેક્સ વિભાગને શરૂઆતમાં કંઈપણ મળ્યું નહોતું છેવટે તેમની ટીમ શહેરની બહાર 8 થી 10 કિલોમીટર દૂર આવેલા ફાર્મ હાઉસમાં ગઈ હતી.




જેમાં કબાટ, પલંગ નીચે, ગાદલામાં, થેલીમાં રોકડ રકમ મળી હતી. તેઓ 500 રૂપિયાની નોટોના બંડલો જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. તેમને અંદાજે 12 મશીનથી રોકડ રકમની ગણતરી કરવામાં 13 કલાક લાગ્યા હતા. આ કાર્યવાહી વખતે અમુક અધિકારી થાકીને લોથપોથ થઈ જતાં બીમાર પડયા હતા. જોકે આઈટીની ટીમને 58 કરોડ રૂપિયાની રોકડ રકમ, 16 કરોડ રૂપિયાના સોના-હીરાના દાગીના, મકાનો, ઓફિસ, જમીનો, ખેતરો, બંગલા, બેન્ત ડિપોઝીટ, અન્ય વ્યવહારો સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા. આમ, આશરે 390 કરોડ રૂપિયાની બિનહિસાબી માલમતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.




આવકવેરા ટીમો દરોડા પાડવા માટે પહોંચી ત્યારે તેમને આટલી મોટી સંખ્યામાં રોકડ મળી આવશે એવો કોઈ અંદાજ ન હતો. આથી તેમની પાસે નોટ ગણવાના મશીન પણ બહુ ઓછાં હતાં. જોકે, 58 કરોડની રોકડ મળતાં અને 500-500ની નોટોની થપ્પીઓ જોતાં આવકવેરાની ટીમો પણ અવાચક થઈ ગઈ હતી. ભારે સલામતી સાથે આ નોટોના બંડલો નજીકની સ્ટેટ બેન્કમાં લઈ જવાયા હતા અને ત્યાં જ આખી રાત નોટો ગણવાની કામગીરી ચાલી હતી.




જાલનામાં સળિયા બનાવતા 14 મોટા અને 22 નાના કારખાના હોવાનું કહેવાય છે. કારખાનામાં અંદાજે 20 હજાર જણ કામ કરે છે.જાલનાથી કરોડો રૂપિયાન ઈન્કમટેક્સ અને જીએસટી ભરવામાં આવે છે. આ ઉપરાંત સ્ટીલ કારખા દ્વારા દર મહિને 100થી 150 કરોડ રૂપિયાનું વીજબીલ ચૂકવવામાં આવે છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, તામિલનાડુ, આંધ્રપ્રદેશની માગણી મુજબ સ્ટીલ કંપની દ્વારા  દર મહિને  હજારો ટનનું  ઉત્પાદન કરવામાં આવે છે.




જાલનામાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ ઈન્કમ ટેક્સ વિભાગે મુખ્ય ચાર સ્ટીલની કંપની પર છાપો માર્યો હતો. આ કંપનીઓએ સ્ટીલ ભંગાર અને ઉત્પાદનની નોંધમાં ચેડાં કરીને બનાવટી કંપનીના નામે કરોડો રૂપિયાનો વ્યવહાર કર્યો હોવાનું તપાસમાં માલૂમ પડયું હતું. તે સમયે આ કંપનીઓ પર કાર્યવાહી કરતા ઈન્કેમ ટેક્સ વિભાગે મુંબઈ, ઔરંગાબાદ, પુણે, કોલકાતામાં 32 સ્થળે છાપો માર્યો હતો. આઈટી ટીમે 300 કરોડ રૂપિયાની બિનહિસાબી માલમતા મળી હતી.





આઈટી અધિકારીઓએ એસઆરજે પ્રીતી સ્ટીલ, કાલિકા સ્ટીલ, શ્રીરામ સ્ટીલ, ફાયનાન્સર વિમલરાજ ડીલર પ્રદીપ બોરા, એક કો-ઓપરેટીવ બેન્કનાં સંચાલકને ત્યાં કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે. કાલિકા  સ્ટીલ,  મ્હાડા,  મુંબઈ મહાનગર પાલિકા, જેએનપીટી, સહિત સંખ્યાબંધ સરકારી વિભાગો અને કંપનીઓને સ્ટીલ પૂરૃં પાડે છે. કાલિકા સ્ટીલના ઘનશ્યામ ગોયલ, અરૃણ અગ્રવાલ, અનિલ ગોયલ મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે.




જાલના જેવાં ટાઉનમાં સ્ટીલ વ્યવસાયિકો અડધા અબજથી પણ વધારેની રોકડ સંઘરીને બેઠા હોય એ આવકવેરા ખાતાંના અધિકારીઓના ગળે ઉતરતું નથી. કોઈ સામાન્ય વ્યવસાયી આટલી જંગી રોકડ પોતાની પાસે રાખે નહીં. આવકવેરા ખાતાંને શંકા છે કે, આ રોકડ તથા અન્ય સંપત્તિના વ્યવહારો મહારાષ્ટ્રના કોઈ રાજકારણીને સંબંધિત હોઈ શકે છે.




નેતાઓ મોટાભાગે તેમની બેનામી સંપત્તિઓ અન્ય નામે ચલાવાતી કંપનીઓ અથવા તો પછી પોતાના પરિચિતોની કંપનીઓના નામે જમાવતા હોય છે. રોકડ પણ આવી કંપનીઓના ગોડાઉનમાં સચવાતી હોય છે. મહારાષ્ટ્રમાં હાલ સત્તા પરિવર્તનને કારણે રાજકીય તખ્તો ગરમ છે. સત્તા પરિવર્તનમાં કરોડોની હેરફેર થયાનું ચર્ચાય છે. ઉપરાંત પાલિકા તથા પરિષદોની ચૂંટણી પણ આવી રહી છે. આથી કોઈ રાજકારણીએ પોતાના નાણાં અહીં સાચવ્યાં છે કે કેમ તેવી ચર્ચાઓ શરુ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News