નવસારી શહેરની કાલીયાવાડી શાંતિવન સોસાયટીના એક મકાનમાં તેમજ લુન્સીકૂઈ પાસે આવેલી એક દુકાનમાં તસ્કરોએ ધાપ મારી રોકડ અને ચાંદીના મંગળસૂત્ર મળી રૂ.૨૭ હજારથી વધુ મતાની ચોરી કરી હતી. ઘટના અંગેની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, વિશાલભાઈ શંકરભાઈ પટેલ (રહે.શાંતિવન સોસાયટી, વિભાગ-૧, કાલીયાવાડી, નવસારી)ના મકાનમાં તા.૮મી ફેબ્રુઆરીના રોજ રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો ઘરની પાછળ આવેલી ગ્રીલનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા.
ત્યારબાદ તેઓએ મકાનના બેડરૂમમાં રહેલી તિજોરીનું લોકર તોડી તેમાંથી ૧૦ ગ્રામનું ચાંદીનું મંગળસૂત્ર તેમજ રોકડા રૂ.૩ હજાર મળી રૂ.૩,૯૦૦ મતાની ચોરી કરી હતી. ચોરીની ઘટનાને અંજામ આપી ચોરટાઓ નાસી છૂટયા હતા. જ્યારે ચોરીના બીજા બનાવની વિગતો એવી છે કે, લખનભાઈ રમેશભાઈ સુગંધી (રહે.એ-૧૨, ગોવિંદપાર્ક સોસાયટી, સિંધીકેમ્પ, નવસારી) લુન્સીકૂઈ પારસી હોસ્પિટલ સામે આવેલા વેકેન્ઝા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આર.કે. ડેઈલી ફેસ નામની દુકાન ચલાવે છે. જેમની દુકાનમાં તા.૩૦મી જાન્યુઆરીના રોજ રાત્રી દરમિયાન અજાણ્યા ઇસમે દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ્યા બાદ ગલ્લામાં રહેલા રોકડા રૂ.૨૦ હજાર અને મોબાઇલ ફોન મળી રૂ.૨૩ હજારની ચોરી કરી હતી. બનાવ અંગે નવસારી ટાઉન પોલીસે અજાણ્યા ઈસમો સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500