મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજરોજ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે વિશ્વખ્યાત IBMની સોફ્ટવેર લેબ્સનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ ગુજરાતે ડિજિટલ ઈન્ડિયા મિશનમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ રહેલી IBMની સોફ્ટવેર લેબ ગુજરાતમાં ક્લાઉડ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે સ્કીલ્ડ મેન પાવર તૈયાર કરવામાં નવું બળ પુરૂં પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુ વાઘાણી, IBMનાં સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ ટોમ રોસામિલીયા, નિકલ લામોરોકસની ઉપસ્થિતીમાં ગિફ્ટ સિટીના પ્રેસ્ટીજ ટાવર ખાતે કાર્યરત થઇ રહેલી IBM સોફ્ટવેર લેબનું ઉદ્ઘાટન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશમાં ડિજિટલ ઈન્ડિયાની વાતો થતી હતી તે પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં ટેક્નોલોજી આધારીત ઈ-ગવર્નન્સનો મજબૂત પાયો નાખ્યો હતો. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતમાં આ સરકારે નવી IT અને ITeS પોલિસી બનાવી છે. આ પોલિસીના માધ્યમથી રાજ્યની આઇ.ટી ઇકોસિસ્ટમના વિકાસનો એક સાનુકૂળ માહોલ તૈયાર કરવાનો ઉદ્દેશ હોવાનું પણ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં આઇ.ટી સેક્ટરના 8 ગણા વિકાસ માટેનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં એવું સુદૃઢ IT ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે કે, આ ક્ષેત્રે રોકાણો માટે ગુજરાત આવનારા સૌ કોઈને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની અનૂભુતિ થાય. મુખ્ય સચિવ પંકજકુમારે ગુજરાતમાં IT અને ITeS પોલિસી, IT ઇનેબલ્ડ સર્વિસીસ, ટ્રાન્સપેરન્ટ અને ડિઝીટલ ગર્વનન્સના આયામો સફળતાપૂર્વક પાર પડી રહ્યા હોવાની માહિતી આપી હતી.
IBMનાં ટોમ રોસામિલિયાએ ગુજરાત અને ભારત સાથેના તેમના વ્યવસાયિક સાહસોની સફળતાની અપેક્ષા દર્શાવીને ગુજરાત સરકારનો જે સહયોગ મળી રહ્યો છે તેના માટે આભાર વ્યક્ત કર્યો હતો. મેનેજિંગ ડિરેક્ટર સંદીપ પટેલે ગુજરાતે ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લીડ લઇને આ ક્ષેત્રે વ્યાપક રોકાણો મેળવ્યા છે તેમાં હવે IBMનો ઉમેરો થયો છે તેમ જણાવ્યું હતું. ગિફ્ટ સિટીના એમ.ડી તપન રે તથા સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ IBMને ગિફ્ટ સિટી અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500