નર્મદા જિલ્લાને ભારત સરકારનાં નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ આદિવાસી વસ્તી હોય કેટલાંક અંતરીયાળ ઉંડાણના વિસ્તારના ગામો આવેલા છે. ત્યારે જિલ્લાના તમામ નાગરિકોને આરોગ્ય લક્ષી ગુણવત્તાયુક્ત સેવાઓ ઘર આંગણે જિલ્લામાં મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં વધુ એક નવી પહેલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર સહ પોલીક્લિનિક-જુની સિવિલ હોસ્પિટલ-રાજપીપલા ખાતે આયોજિત વિનામૂલ્યે સારવાર કેમ્પને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પ હવેથી દર મહિનાના બીજા અને ચોથા ગુરૂવારે આજ સ્થળે યોજાશે, જેમાં વિવિધ વિષય નિષ્ણાંત તબીબોએ વિનામૂલ્યે લોકોને સેવાઓ પુરી પાડશે.
આ તબક્કે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાલમાં જન આરોગ્યની સુવિધા માટે PMJAY યોજના અંતર્ગત રૂપિયા ૫-૫ લાખ એટલે કે કુલ રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં વિના મૂલ્યે નાગરિકોને સારવાર પુરી પાડવામાં આવે છે, ત્યારે નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને વડોદરાની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા આજથી રાજપીપલામાં શરૂ કરવામાં આવેલી આ પહેલ ખૂબ જ સરાહનીય છે. નર્મદા જિલ્લાના નાગરિકોને ઘર આંગણે જ હ્રદય રોગ અને હાડકાના રોગોના નિદાનની સુવિધા હવેથી ઉપલબ્ધ થશે. જે દર્દીઓને વધુ સારવારની જરૂરિયાત જણાય તો તેમને વડોદરા ખાતે રિફર કરી પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિનામૂલ્યે સઘન સારવાર કરવામાં આવનાર છે જે ખરેખર જિલ્લાના નાગરિકો માટે ખૂબજ લાભદાયી બાબત છે.
આયુષ્માન ભારત, પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના(PMJAY) અંતર્ગત નર્મદા જિલ્લાની જનતાના આરોગ્ય સુખાકારીમાં વધારો થાય અને જિલ્લાના નાગરિકોને વિવિધ રોગોના સ્પેશિયાલિસ્ટ તજજ્ઞ તબીબોની સેવાઓ મળી રહે તે માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ વિનામુલ્યે નિદાન અને સારવાર કેમ્પ હવેથી રાજપીપલાના આંગણે દર મહિનાના બીજા અને ચોથા ગુરૂવારે અર્બન હેલ્થ સેન્ટર સહ પોલીક્લિનિક જુની સિવિલ હોસ્પિટલ, રાજપીપળા ખાતે સવારે ૧૦=૦૦ થી બપોરના ૧=૦૦ કલાક સુધી યોજાનાર છે.
આ કેમ્પમાં ખાસ કરીને હાડકાના રોગોના નિષ્ણાંત (સાંધાના સ્પેશીયાલીસ્ટ) અને હદય રોગના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહીને સેવાઓ આપશે. આજે પ્રથમ દિવસે યોજાયેલા કેમ્પમાં ગ્લોબલ સનસાઈન હોસ્પિટલ વડોદરાના ઓર્થોપેડિક નિષ્ણાંત ડો.શીવમ શાહ અને કાર્ડિયોલોજીસ્ટ ડો.જયદીપ પાઠકે વિના મુલ્યે આરોગ્ય માર્ગદર્શન, તપાસ અને સારવારની સેવાઓ પુરી પાડી હતી. પ્રથમ કેમ્પનો જિલ્લાભરમાંથી કુલ ૧૧૬ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં હૃદય રોગના ૧૮ અને ઓર્થોપેડીક, ઘૂંટણ તથા થાપાના રોગની તપાસ માટે ૯૮ દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી ૩ (ત્રણ) દર્દીને હૃદય રોગની વધુ તપાસ અને સારવાર જ્યારે ૨ ઓર્થોપેડીક, ઘૂંટણ અને થાપાના રોગ સમસ્યા માટેના દર્દીને વધુ સારવાર કરવા રિફર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500